ગાંધીનગર: દેશના જ નહિ પંરતુ વિશ્વના લોકપ્રિય નેતા તરીકે જેની ગણના થાય છે તેવા ગુજરાતનાં સપૂત તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. સમગ્ર દેશના ભાજપ કાર્યકર્તા અને સમર્થકો અલગ અલગ મેડિકલ કેમ્પ હોય કે વૃક્ષારોપણ કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ ગાંધીનગર રહેતા ડો અંબાલાલ પ્રજાપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક સંસ્કૃત ભાષામાં મહાકાવ્ય લખ્યું છે. ETV ભારતના રિપોર્ટર રાહુલ ત્રિવેદીએ પુસ્તકના લેખક અંબાલાલ પ્રજાપતિ સાથે ખાસ વાતચીત કરી હતી.
પ્રશ્ન: "નરેન્દ્રવિજય મહાકાવ્ય" કેટલી પંક્તિનો સમાવેશ થયો છે ?
જવાબ: "નરેન્દ્રવિજય મહાકાવ્ય" 8 સર્ગમાં લખાયું છે. જેમાં 1000 જેટલી પંક્તિઓ અને 10,000 થી પણ વધારે શબ્દો આ મહાકાવ્યમાં છે. જેમાં નરેન્દ્ર મોદીના જન્મથી લઈને વડાપ્રધાન સુધીના જીવન પરિચય અને ઇતિહાસ વિશે લખવામાં આવ્યું છે.
પ્રશ્ન: "નરેન્દ્રવિજય મહાકાવ્ય" કેટલા પેજ અને મહાકાવ્ય લખતા કેટલો સમય થયો ?
જવાબ: "નરેન્દ્રવિજય મહાકાવ્ય" લખતા અંદાજિત 8 વર્ષ જેટલા લાગ્યા હતા. આ મહાકાવ્યમાં કુલ 300 જેટલા પેજ છે. જ્યારે હું સેવક હતો અને તેમના સંપર્કમાં હતો તેમના કામ પરથી પ્રભાવિત થઈને મહાકાવ્ય લખવાનો વિચાર આવ્યો હતો.
પ્રશ્ન: "નરેન્દ્રવિજય મહાકાવ્ય" મહાકાવ્યમાં કયા કયા વિષયવસ્તુ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
જવાબ: "નરેન્દ્રવિજય મહાકાવ્ય" 8 સર્ગ લખવામાં આવ્યું છે. જેમાં નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીના જીવન ચરિત્ર લખવામાં આવ્યું છે. જેમાં જે વડનગરમાં ઘરમાં રહેતા હતા તેમના ઘરનું વર્ણન, શર્મિષ્ઠા તળાવમાં નાહવા જતા હતા તેનો ઉલ્લેખ, બાળપણમાં પિતા સાથે રહીને ચા વેચવામાં મદદ કરતા હતા. ત તમામ બાબતોનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં કામ કરતા હતા તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના જીવનમાં સ્વામી વિવેકાનંદનો પ્રભાવ જોવા મળતો હતો અને સાથે જ રાષ્ટ્રીય સેવા સંઘનો પ્રભાવ પણ તેમના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવ્યો અને તેમને દેશ માટે કામ કરવાની શરૂઆત કરી. આ તમામ બાબતોનું આ મહાકાવ્યમાં વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રશ્ન: "નરેન્દ્રવિજય મહાકાવ્ય" કઈ કઈ ભાષામાં લખાયું છે.
જવાબ: રાજકારણમાં વડાપ્રધાનના પદ ઉપર હોય તેવા જવાહરલાલ નહેરુ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી તેમના જીવન પર અનેક લેખો લખાયા છે અને તે મેં વાંચ્યા હતા. તેનાથી પ્રેરાઈને ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મહાકાવ્ય લખવાની શરૂઆત કરી હતી. આ મહાકાવ્ય સંસ્કૃતમાં લખાયું છે પરંતુ તેનું ભાષાંતર હિન્દીમાં પણ કરવામાં આવ્યું છે.