ગાંધીનગર: જિલ્લાના વાવોલમાં સરદાર પટેલ સેવા સમાજ દ્વારા 25માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 9 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
વાવોલ પાસે યોજાયેલા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. સમૂહ લગ્નોમાં પણ હવે સેવાકીય ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મોટાભાગના સમૂહ લગ્નમાં રક્તદાન શીબીરો યોજવામાં આવે છે. આ સમુહલગ્નમાં દિકરીઓને એક્ટીવા, ફ્રિજ, વોશિંગ મશીન સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.
સરદાર પટેલ સેવા સમાજના પૂર્વ પ્રમુખ અને પાટીદાર સમાજના આગેવાન ગીરીશભાઈ પટેલે કહ્યું કે, જિલ્લામાં સૌપ્રથમ વખત અમારા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. રજત જયંતિ વર્ષ નિમિત્તે સમાજના આગેવાનો દ્વારા જે યુગલો સમૂહ લગ્નમાં જોડાયા છે તેમને એકટીવા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે. તે ઉપરાંત ફ્રિજ, વોશિંગ, મશીન સહિતના અત્યાધુનિક ઉપકરણો સમાજના દાતાઓએ આપ્યા છે. સમૂહ લગ્નમાં જોડાવાને કારણે જે માતા પિતા પોતાની દીકરીને કરીયાવર આપી શકતા નથી તેમને સમાજ આપે છે.સમાજમાં એકતાની ભાવના જોવા મળી રહે તે માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.