- RT-PCR ટેસ્ટને લઈ રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય
- 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટની સુવિધા શરૂ કરાશે
- 14 જિલ્લામાં RT-PCR સુવિધા ન હોવાનું ગુજરાત હાઇકોર્ટમાં આવ્યું હતું સામે
ગાંધીનગર: ગુજરાત રાજ્યના 14 જિલ્લામાં RT-PCR સુવિધા ન હોવાનું ગુજરાત હાઇકોર્ટમાં સામે આવ્યું છે, ત્યારે હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં RT-PCR ટેસ્ટ થાય તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતી શૈક્ષણિક સંસ્થાનોમાં RT-PCR ટેસ્ટ શરૂ કરાશે.
26 શૈક્ષણિક સંસ્થાઓમાં થશે ટેસ્ટ
આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, 26 શૈક્ષણિક સંસ્થાનોમાં કાલે સોમવારથી જ RT-PCR ટેસ્ટ શરૂ કરાશે. જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્યના વહીવટીતંત્રને મોટી મદદ મળશે. જે તે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે અને લેબોરેટરીઓને મોકલી આપશે. ગુજરાત રાજ્યની વર્તમાન ટેસ્ટિંગ ક્ષમતામાં આ વધારાની 26 સંસ્થાઓની સુવિધા ઉમેરાતાં RT-PCR ટેસ્ટ ક્ષમતા લગભગ બમણી થઈ જશે.
આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર ઓનલાઇન RT-PCRની સિસ્ટમ ગોઠવાશે
14 જિલ્લામાં RTPCR લેબ જ નથી ?
દર્દીઓ સીધા જ આ શૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટ માટે નહીં જઈ શકે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર સેમ્પલ કલેક્ટ કરીને આ લેબોરેટરીઓ મારફતે RT-PCR ટેસ્ટ રિપોર્ટ મેળવી આપશે. RT-PCR લેબ બાબતે મળતી માહિતી પ્રમાણે રાજ્યના કુલ 14 જેટલા જિલ્લાઓમાં લેબની વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ, પંચમહાલ, ખેડા, નર્મદા, અરવલ્લી, તાપી, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, આણંદ, છોટાઉદેપુર, ડાંગ જિલ્લાઓમાં RT-PCR ટેસ્ટિંગ લેબ ન હોવાનું સામે આવ્યું છે. આમ રાજ્યના 14 જેટલા જિલ્લાઓને RT-PCR ટેસ્ટિંગ માટે અન્ય જિલ્લા ઉપર નભવું પડે છે, તેવી પરિસ્થિતિ પણ સામે આવી છે.
હાઇકોર્ટે પણ કરી હતી ટકોર
મહત્વની વાત કરવામાં આવે તો તાજેતરમાં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પણ RT-PCR ટેસ્ટ બાબતે ટીપ્પણી કરી હતી અને તમામ જિલ્લાઓમાં RT-PCR ટેસ્ટીંગ લેબોરેટરી હોવી જોઇએ તેવી ટકોર પણ રાજ્ય સરકારને કરી છે, જેથી લોકોને અન્ય જિલ્લામાં આરટી પીસીઆર ટેસ્ટ કરવા જવું ન પડે.