ગાંધીનગર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા નાઝર નિલેશકુમાર જાદવે કોર્ટમાં તાળા તૂટવા અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ સાંજે સવા છ વાગ્યાના સુમારે પ્યુન દ્વારા કોર્ટ બંધ કરાયા બાદ બીજા દિવસે સવારે પોણા દશ વાગ્યે સફાઈ કામદાર આવ્યા ત્યારે ત્રીજા માળે આવેલી મેઈન લોખંડની જાળીનો આંકડો તથા અંદરની લોબીની જાળીનું લોક તૂટેલ હતું. ગાંધીનગરમાં નવામાં એડિશનલ સિનિયર સિવિલ જજ એચ. આર. પરમારની કોર્ટ રૂમના દરવાજાનું ઈન્ટરલોક તૂટેલી હાલતમાં હતું.
કોર્ટના સ્ટાફ દ્વારા ચેક કરતાં કોઈ વસ્તુની ચોરી થઈ નથી. પરંતુ, દસ્તાવેજ અંગે હજુ ચકાસણી કરાઈ હતી. સમગ્ર કોર્ટ સંકૂલ CCTV કેમેરાથી સજ્જ છે. ત્યારે, ચાલાક તસ્કરોએ ત્રીજા માળે લોબીમાં આવેલા CCTV કેમેરામાં રૂમાલ નાખી દીધો હતો. જેને પગલે તેઓ CCTVમાં કેદ ન થઈ જાય. હાલ તો સમગ્ર કેસમાં સેક્ટર-7 પોલીસે ગુનો નોંધીને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તસ્કરોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.