વાહનવ્યવહાર વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંગળવારના રોજ રોડ સેફ્ટી ઓથોરિટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્યની જનતાને જાગૃત કરવા માટે રાજ્ય સરકારે પતંગનો સહારો લીધો છે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા રોડ સેફ્ટી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોડ સેફ્ટી અંતર્ગત પતંગ પર ટ્રાફિકના સ્લોગન તથા નવા નિયમનો લખવામાં આવશે. રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ઘટાડો કરવા તથા લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખી વાહનો ચલાવે, તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. રોડ સેફ્ટી સપ્તાહની વાત કરવામાં આવે તો, 11 જાન્યુઆરીથી રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા અને શહેરમાં રોડ સેફટી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બાબતે વિભાગ દ્વારા પતંગનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. જેમાં જિલ્લા દીઠ 200 પતંગ મોકલવામાં આવશે.
મંગળવારે યોજાયેલી બેઠકમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો કરવા અનેક પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં જે સ્થળ પર વારંવાર અકસામતની ઘટના બને છે, તેવા બ્લેક સ્પોટની પણ ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં હવે રાજ્યના વાહનવ્યવહાર વિભાગ અને રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા આ ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બ્લેક સ્પોટની હવે R&B વિભાગના અધિકારીઓ, પોલીસના પીએસઆઈ અથવા પીઆઇ કક્ષાના અધિકારી અને આરટીઓના આસિસ્ટ ઇન્સ્પેક્ટર જગ્યા પર ઇન્સપેકશન કરશે. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ક્યાં કારણોસર અકસ્માત વધુ થાય છે, તેને ધ્યાનમાં લઈને જો રસ્તામાં ફેરફાર કરવાની જરૂર પડશે તો રસ્તાનો નક્શો બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આમ રાજ્ય સરકાર હવે ટ્રાફિકના નિયમનો અને અકસ્માતનો આંક વધે નહીં, તે માટે તમામ પ્રકારનું આયોજન કર્યું છે. પણ આ આયોજન ફક્ત કાગળ પુરતું મર્યાદિત ન રહે, અનો અમલ ફિલ્ડમાં પણ થાય તો સારું...