ગાંધીનગરઃ શહેરમાં એપોલો સર્કલ પાસે ચાર દિવસ પહેલાં મધર ડેરીના કર્મચારીને નડેલા અકસ્માતમાં નવો વળાંક આવતા કેસ મર્ડરમાં ફેરવાઈ ગયો છે. સેક્ટર-29 પ્લોટ નંબર-282 ખાતે રહેતાં મૃતક દિપક પટેલ 24 માર્ચે મધર ડેરી ખાતે નોકરી પૂરી કરી ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન એપોલો સર્કલ પાસે વહેલી પરોઢે પાંચ વાગ્યે અકસ્માતમાં તેમનું મોત થયું હતું, ત્યારે ઈન્ફોસિટી PI એસ. જે. રાજપૂતે ટીમ સાથે મળી કેસની તપાસ શરૂ કરી હતી.
તપાસમાં મૃતકને ડેરીમાં દૂધના વાહન ફેરવતા ટ્રાન્સપોર્ટ માલિક સાથે માથાકુટ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ માલિક આસિફ વહેલી સવારે દહી અને દૂધના કેરેટ લઈને જતો હતો. જેમાં દહીંની જગ્યાએ દૂધ મૂકીને ચોરી કરતો હતો. જેને મૃતક દીપકભાઈએ રંગે હાથ ઝડપી લીધો હતો અને તેની ગાડી બંધ કરાવી દીધી હતી. એટલે બદલો લેવા માટે આસિફે આસિસ્ટન્ટ ડાયરેક્ટર દીપકભાઈને મોતને ઘાટ ઉતારવાનો કાવતરુ ઘડ્યું હતું.
મૃતક વહેલી સવારે પોતાની નોકરી પૂરી કરીને પોતાના સ્પ્લેન્ડર બાઈક ઉપર ગાંધીનગર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન આસિફ આઇસર લઈને મધર ડેરીની પાછળ ના ભાગે ઉભો હતો, જ્યારે દિપક ભાઈ બાઈક લઈને નીકળ્યા ત્યારે તેને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેથી પોલીસે આ દિશામાં વધુ તપાસ કરીને જીસાન ટ્રાન્સપોર્ટના માલિક મહમંદ આશીફ અબ્દુલગની મેમણ (રહે-બી-202, ફાયર સ્ટેશન ગોમતીપુર, અમદાવાદ)ની ધરપકડ કરી છે. આરોપીએ આઈશરથી મૃતકના બાઈકને ટક્કર મારીને તેમના પર ગાડી ચઢાવી દીધી હતી. જોકે, તેનો મર્ડરને અકસ્માતમાં ખપાવવાના પ્રયત્નને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.
પોલીસે CCTV ચેક કરતાં મૃતકના બાઈકને ટક્કર મારનાર અજાણ્યું વાહન આઈસર હોવાનું ધ્યાને આવ્યું હતું. જો કે, તેના પર નંબર ન હતો. તો બીજી તરફ પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી અને મૃતક વચ્ચે માથાકુટ ચાલતી હતી. મૃતક ત્રણ મહિના પહેલાં આરોપીની GJ-01-DT-9422 નંબરની આઈસર દૂધ ચોરીમાં પકડી હતી. 23 માર્ચે આરોપીની આઈસર બગડતા તે ફોરમેન લઈને મધર ડેરી આવ્યો હતો.
આ સમયે મૃતક દિપકભાઈએ તેને જોઈ જતા તેને બહાર કાઢ્યો હતો. જેથી હત્યાનું કારણ અને વાહન બંને સામે આવતા પોલીસ આરોપી સુધી પહોંચી હતી. 23 માર્ચની માથાકુટને બાદ 24મીએ વહેલી પરોઢે મૃતક નોકરી પુરી કરી ઘર નીકળ્યા હતા. આ સમયે આરોપીએ પોતાના આઈસરના નંબર અને ટ્રાન્સપોર્ટના નામ પર કાગળ ચોટાડીને બાઈકને ટક્કર મારી હતી. જેથી કરીને કોઈ તેના સુધી પહોંચી ન શકે.
આમ, પોતનું વેર વાળવા માટે આરોપીએ એક નિર્દોષને મોત ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે આરોપીની ધકપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.