ગાંધીનગર : રેશમા પટેલે પણ NCP પ્રદેશ મહિલા (Nationalist Mahila Congress Gujarat Pradesh) મોરચાના પ્રમુખમાંથી રાજીનામું (Reshma Patel resigned from NCP) આપ્યું છે. કોંગ્રેસ દ્વારા ગઠબંધનના ભાગરૂપે સૌરાષ્ટ્રની કુતિયાણા અને ગોંડલ બેઠક પર સહમતી નહીં સધાતા તેના વિરોધમાં રેશમા પટેલે રાજીનામું આપ્યું છે. રાજકીય સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રેશમા પટેલ વિરમગામ બેઠક પરથી પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને હાલ ભાજપના નેતા હાર્દિક પટેલ વિરોધ ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
રેશમા પટેલે NCP માંથી આપ્યું રાજીનામું : NCP પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ અને પાટીદાર અગ્રણી રેશમા પટેલે NCP મહિલા મોરચાના પ્રમુખ અને પક્ષના સક્રિય કાર્યકર પદેથી રાજીનામું ભરી દીધું છે કોંગ્રેસ અને NCP દ્વારા પાછલા વર્ષોનો ઇતિહાસની તપાસ કરીયે તો વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન કરવામાં આવતુ હતુ. જેમાં કુતિયાણા અને ગોંડલ બેઠક પર NCP ના ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળતા હતા. ત્યારે વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં આ બંને બેઠક પરથી કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેના વિરોધમાં NCPના કાર્યકરો અને પ્રદેશના નેતાઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. બે દિવસ પૂર્વે અનેક કાર્યકરોની સાથે કાધલ જાડેજા એ પણ NCP માંથી રાજીનામું આપીને કુતિયાણા બેઠક પરથી પોતાની દાવેદારી અન્ય રાજકીય પક્ષમાંથી કરી છે તો આજે રેશમા પટેલે પણ પ્રદેશના મહિલા મોર્ચાના પ્રમુખની સાથે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જેની જાહેરાત રેશમા પટેલે રાજીનામાના પત્ર દ્વારા કરી છે.
રેશમા પટેલ હાર્દિક પટેલ સામે કરશે દાવેદારી : પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ તરીકે NCP માંથી રાજીનામું આપી ચૂકેલા પાટીદાર અગ્રણી રેશમા પટેલ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી લડશે તેવા રાજકીય સૂત્રોમાંથી ચોક્કસ અહેવાલો મળી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને હાલ ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલની સામે વિરમગામ બેઠક પરથી રેશમા પટેલ ચૂંટણી લડશે તેવી તમામ શક્યતાઓ રાજકીય સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ રહી છેઅને સંભવત આજે સાંજ સુધીમાં રેશમા પટેલની વિરમગામ બેઠક પરથી દાવેદારીને લઈને જાહેરાત થઈ શકે છે. રેશમા પટેલ અને હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન વખતે એક સાથે જોવા મળતા હતા, પરંતુ પાટીદાર અનામત આંદોલનનુ રાજકીય કરણ થયું અને પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાં અને ત્યારબાદ અત્યારે ભાજપના ઉમેદવાર તરીકે વિરમગામ બેઠક પરથી ઉમેદવાર બન્યા છે તો બીજી તરફ રેશમા પટેલ પણ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાને લઈને આગળ વધી રહ્યા છે.
રેશમા પટેલના આવવાથી હાર્દિકની વધશે મુશ્કેલી : રેશમા પટેલ વિરમગામ બેઠક પરથી પોતાની ઉમેદવારી રજૂ કરે તો પાટીદાર અગ્રણી અને ભાજપના નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં અનેક ગણો વધારો થઈ શકે તેમ છે. પાટીદાર આંદોલન બાદ રેશમા પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ખટરાગ ઉભો થયો હતો અને બંને. નેતાઓએ અલગ અલગ રસ્તાઓ રાજનીતિના પસંદ કર્યા હતા. આજે મહિલા નેતા રેશ્મા પટેલે અને હાર્દિક પટેલ સામસામે જોવા મળી રહ્યા છે. રેશમા પટેલે અનેક વખત હાર્દિક પટેલ સામે આંદોલનનો રાજકીય ઉપયોગ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. જેને લઈને પણ હાર્દિક પટેલની વિરમગામ બેઠક પરની ઉમેદવારી અનેક મુશ્કેલીઓ સર્જી શકે તેમ છે. વધુમા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના હાલ ભાજપમાં રહેલા તેજશ્રી બેન પટેલ પણ ખૂબ મહત્વનો રોલ અદા કરી શકે છે. વધુમાં અહીંથી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ પણ ચૂંટણી જંગમાં જોવા મળશે જેને લઈને વિરમગામ બેઠકનો ચૂંટણી જંગ સમગ્ર રાજ્યમાં મહત્વના ચૂંટણી જંગ તરીકે પણ ઓળખાઈ શકે છે, પરંતુ જે રીતે રેશમા પટેલ વિરમગામ બેઠક પર પોતાની દાવેદારી કરવા માટે આગળ વધી રહ્યા છે તેને જોતા ચોક્કસ કહી શકાય કે વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ માટે રાજકીય જંગ જીતવાનો દાવ મુશ્કેલ જરૂરથી બનશે.