ગાંધીનગર: ગત કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો હોય તેમ લાગી રહ્યું છે. સોમવારે સવાર સુધીમાં રાજ્યમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 4.1 ઇંચ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 અને 23 જૂનના રોજ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ તેમજ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રવિવારે રાજ્યના 16 જિલ્લાના 68 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 6.7 ઇંચ અને કચ્છના માંડવીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. હવમાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ પડી શકે છે.