વાયુ વાવાઝોડાને પગલે ઓછી જાનહાની થાય તે માટે તંત્ર દ્વારા NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. જે સ્થળો વધારે સંવેદનશીલ છે ત્યાંથી નાગરિકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યાં છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર શહેરના ડિઝાસ્ટર મેનેજમેન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે 10 જિલ્લાના કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરિયાકાંઠાના વાયુ વાવાઝોડાની ઝપટે ચડી શકે તેવી શક્યતાઓ છે. આજે રાત્રે 10 કલાકે 150 કિલોમીટરની ઝડપે વાવાઝોડુ ત્રાટકશે.
આ માટે સતર્કતા અને ઓછામાં ઓછી જાનહાની થાય તે માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સચિવ પંકજકુમારે ઉચ્ચ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ. જૂનાગઢ, કચ્છ સહિતના જિલ્લા કલેક્ટરો સાથે મુખ્યપ્રધાને સીધી વાતચીત કરી હતી. મુખ્યપ્રધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલા લોકોને ખસેડવામાં આવ્યા કેટલી ટીમો કાર્યરત છે. સ્થાનિક સંસ્થાઓની મદદ મેળવવા સહિતની સૂચનાઓ આપી હતી. મુખ્યપ્રધાને વાયુ વાવાઝોડાને લઈને જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા વાયુ વાવાઝોડું 900 કિલોમીટર દૂર હતું. જ્યારે હાલમાં 340 કિલો મીટર દરિયામાં વાવાઝોડુ દૂર છે. જે આજે રાત્રે ગુજરાતના વિસ્તારો ઉપર ત્રાટકી શકે છે. ત્યારે આ વિસ્તારની જનતાને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી હતી.
વાયુ વાવાઝોડાની ગુજરાતમાં સૌથી ઓછી અસર થાય તે માટે હાલમાં બસ સેવા રેલવે સેવા બંધ કરી દેવામાં આવી છે. પોર્ટ ઉપર યાતા યાત સુવિધા બંધ કરવામાં આવી છે. હવાઈ મથકો અને ધાર્મિક સ્થળોની યાત્રા બસો પણ બંધ કરવામાં આવી છે. કાચા અને પાકા મકાનોમાં રહેતા લોકોને પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. દરિયામાં મોજા 10 ફૂટ કરતાં પણ વધારે ઊંચાં ઉછળી શકે છે. જ્યારે ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરિણામે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. 10 જિલ્લામાં અત્યાર સુધી સવા લાખ કરતા વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજે બપોરે 4 વાગ્યા પહેલા 3 લાખ કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. 40 કરતાં વધુ એનડીઆરએફની ટીમો કામગીરી કરી રહી છે.