ગાંધીનગર : રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે તમામ વિભાગોમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી છે, ત્યારે ગૃહ વિભાગની વાત કરવામાં આવે તો 10,000 થી વધુ ખાલી પડેલી જગ્યાઓ જેવી કે PSI, LRD, SRP, હોમગાર્ડ પર ખાલી જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં LRD અને PSIની શારીરિક કસોટી પૂર્ણ થઇ છે, ત્યારે આજે PSI ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે એક ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે PSIની લેખિત (PSI Exam Date) પરીક્ષા 6 માર્ચના રોજ યોજવામાં આવશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે પરીક્ષા
IPS વિકાસ સહાયે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, 6 માર્ચ રવિવારના રોજ PSIની અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રિલિમિનરી પરીક્ષા યોજવાનું આયોજન (Planning of PSI Exam) કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે PSIની શારીરીક કસોટીમાં 96 હજારથી વધુ ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હવે પ્રિલીમનરી પરીક્ષા (Preliminary Examination of PSI) યોજવાનું આયોજન પણ પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Gujarat Unemployed Librarian : રાજ્યમાં 23 વર્ષથી એક પણ ગ્રંથપાલની ભરતી નથી થઈ, જાણો બેરોજગારની વેદના
10 એપ્રિલે LRD પરીક્ષા યોજાશે
લોકરક્ષક દળની ભરતી (LRD Exam Date) માટે બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. લોકરક્ષક દળના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વાંધા અરજીની નિકાલ બાદ 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષાનું આયોજન (Planning of LRD Exam) કરવામાં આવ્યું છે. જેમાં કુલ 125 માર્ચનું પેપર રાખવામાં આવ્યું છે. 125 માંથી શારીરિક કસોટી 25 ગુણ ગણવામાં આવશે.
LRD પરીક્ષા 4 મહાનગરપાલિકામાં યોજાશે
હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે LRDની લેખિત પરીક્ષા બાબતે બોર્ડ (Gujarat Recruitment Board) દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. આયોજનના ભાગરૂપે પ્રાથમિક રીતે રાજ્યના ચાર મહાનગરોમાં પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, ચાર મહાનગરોમાં કેટલી શાળાઓ CCTVની સુવિધાઓ ધરાવે છે. તે તમામ પ્રકારની માહિતી મંગાવવામાં આવી છે અને CCTV સુવિધાથી ધરાવતી શાળાઓમાં જ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.