ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 43 મુખ્યસેવિકા અને 1,068 આંગણવાડી કાર્યકર બહેનોને 86.64 લાખના ખર્ચે કોમન એપ્લિકેશન સોફ્ટવેર ટેક્નોલોજીથી સજ્જ સ્માર્ટ મોબાઈલ ફોન વિતરણ કાર્યક્રમ અને વાલી દિકરી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બાળકલ્યાણ વિભાગના પ્રધાન ગણપત વસાવા, જ્યારે રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરી દવે હાજર રહેવાના હતા. સુપોષિત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા માટે સંકલિત બાળ વિકાસ યોજના મહિલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી બહેનોને 45 કરોડના ખર્ચે સ્માર્ટ મોબાઈલ ફોન આપવામાં આવશે. જેને લઇને ગાંધીનગર જિલ્લાની આંગણવાડીની બહેનોને ઉપસ્થિત રહી હતી.
ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં અંતિમ સમયે બંને પ્રધાનો ન આવતા કાર્યક્રમને રદ જાહેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માત્ર વહાલી દીકરી યોજનાના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. જ્યારે સ્માર્ટફોનની આશાએ આવેલી મુખ્ય સેવિકા અને આંગણવાડી બહેનોને ધરમ ધક્કો પડ્યો હતો. જ્યારે અધિકારીઓ દ્વારા સ્ટેજ ઉપરથી જાહેરાત કરવામાં આવી હતી કે, હવે આગામી બે ચાર દિવસમાં કાર્યક્રમનું ફરીથી આયોજન કરવામાં આવશે. એક પ્રધાનના કારણે જિલ્લામાંથી આવેલી 1111 બહેનોને ફરીથી ઉપસ્થિત રહેવુ પડશે. જેથી બહેનો પણ નિરાશ થઈ હતી. સરકાર દ્વારા તેમને બસ ભાડું ચૂકવવામાં આવશે. જ્યારે ટાઉનહોલનું ભાડું સહિતનો ખર્ચ આપવો પડશે.