કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ટ્રાફિક નિયમોને રાજ્ય સરકારે વધઘટ કરીને નવા સ્વરૂપે રજૂ કર્યો છે. હાલ રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી કાયદાનો અમલ નહીં કરવાનો આદેશ કરાયો છે. પરંતુ, સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આ નિયમોને કાળા કાયદાનું ઉપનામ આપવામાં આવી રહ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં મહિલા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. શહેર, જિલ્લા અને તાલુકા લેવલે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, સતત મધદરિયે ડૂબી રહેલી કોંગ્રેસ વિરોધ કરવામાં પણ ડુબતી જોવા મળી હતી.
ગાંધીનગર શહેરમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ લલીતાબેન ઠાકોરની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય ગીતાબેન પટેલ, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ સહિત અન્ય પાંચ મહિલાઓ હાજર રહી હતી. મહાનગરપાલિકામાં કોંગ્રેસના 15 કોર્પોરેટર છે, જેમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. પરંતુ, તેમાંથી માત્ર એક લલીતાબેન હાજર રહ્યા હતાં, ત્યારે મહિલાઓને રોકવા માટે આવેલી પોલીસ પણ તેમની સંખ્યા કરતાં ચાર ગણી વધારે જોવા મળી હતી.