ગાંધીનગર: ભારત સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તેવા શુભ આશય સાથે પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકાર દ્વારા "વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023"નું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ 15મી નવેમ્બર - જન જાતિય ગૌરવ દિવસના રોજથી આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો, જેને રાજ્યમાં વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે.
પીએમ મોદીએ રાજ્યની 225 ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. વિવિધ જિલ્લાની આ તમામ ગ્રામ પંચાયતો ખાતે 'મોદીની ગેરંટી' સાથેના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સરકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓ સુધી યોજનાઓના લાભ પહોંચાડી સેચ્યુરેશન લેવલ પર લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે નમો ડ્રોન દીદી મારફતે 15000 સખી મંડળોને સહાય આપીને ખેતીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી આધુનિકરણ તરફ પ્રયાણ કરવા તેમજ ફીટ ઈન્ડિયા મુવમેન્ટ પર ભાર મુકી યુવાનોને સ્વાસ્થ્ય જાળવવા આહવાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત-ભરૂચના શુકલતીર્થ ગામના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી અલ્પેશભાઈ નિઝામા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો અને તેમણે મેળવેલી યોજનાકીય સહાય અંગે પૃચ્છા કરી હતી. વડાપ્રધાન મોદીએ અલ્પેશભાઈને વિકસિત ભારત યાત્રા દરમિયાન જ બીજા પાંચ ગામમાં જઈને અન્ય ખેડૂત મિત્રોને પણ યોજનાકીય લાભ લેવા અનુરોધ કરવા કહ્યું હતું.
લાભાર્થીઓ સાથેનાં સીધા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના લવારપુર ગ્રામ પંચાયત ખાતે વિશાળ જન સમુદાય વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની યાત્રામાં જોડીને વિકસિત ભારત @ 2047નો સંકલ્પ પાર પાડવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સક્ષમ માધ્યમ પૂરવાર થઇ રહી છે. ગુજરાતભરમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત પ્રતિસાદ મળી રહ્યો છે અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના લાભ સરકાર સામે ચાલીને લોકોને આપવા જાય છે, જેનાથી સુશાસનથી સેવાનો સંકલ્પ ચરિતાર્થ થઈ રહ્યો છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આજ સુધીમાં 4375 ગ્રામ પંચાયતોના અનેક લાભાર્થીઓ સુધી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવામાં આવ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આશરે 13.06 લાખ જેટલી જન ભાગીદારી નોંધાઈ છે અને 12.02 લાખથી વધુ નાગરિકોએ ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે.