ગાંધીનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટીને 3 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે શનિવારે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી પ્લેન સેવાનો પ્રારંભ કરશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમની અધ્યક્ષતામાં શનિવારે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ રાજીવ ગુપ્તા, પંકજકુમાર સહિતના સિનિયર IAS અધિકારીઓ બેઠકમાં હાજર હતા. જ્યારે ઉડ્ડયન વિભાગના અધિકારીઓ પણ હાજર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર એટલે કે, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની મુલાકાતે લઈ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, પરંતુ હજૂ સુધી આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત થઇ નથી. ત્યારે સંભવિત મુલાકાતને ધ્યાનમાં લઈને જિલ્લા તંત્ર પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના 3 વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને લઈને નર્મદા જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોનીના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવાઈ રહી છે, જ્યારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યંત મર્યાદિત આમંત્રિતોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી કેન્દ્રીય દળોની એકતા પરેડ તથા લાલ બાહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમીના તાલીમાર્થીઓને સંબોધિત કરે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.