ઉલ્લેખનીય છે કે, ગુજરાત NSUI દ્વારા આજે અમદાવાદના પાદરે વિસ્તાર ખાતે આવેલા ABVPના કાર્યાલયનો ઘેરાવો કરીને વિરોધ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિરોધ કરવા જાય તે પહેલાં જ બંને પક્ષના વિદ્યાર્થી નેતાઓ આમને-સામને આવી ગયા હતા અને બન્ને વચ્ચે બબાલ થઈ હતી. ત્યારે પોલીસે પણ વિદ્યાર્થીઓ નેતાઓને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
આ ઉપરાંત સેક્રેટરી નિખિલ સવાણીને માથાના ભાગે માર પડ્યો હતો જેમાં તેઓ લોહી લુહાણ થયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે અને અમદાવાદ પોલીસ કમિશ્નર પાસેથી સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અત્યારે પોલીસ દ્વારા હોસ્પિટલમાં દાખલ થયેલ વિદ્યાર્થી નેતાઓના નિવેદન લેવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આમ અમદાવાદની ઘટનાના પડઘા ગાંધીનગર સચિવાલય સુધી પડ્યા હતા જ્યારે આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પ્રશ્ન પૂછતા તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું.