ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા 9 ઓક્ટોબરના રોજ નવરાત્રિ, દશેરાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ ખરાબ ના થાય તેને ધ્યાનમાં લઈને નિર્ણય અનુસાર નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી. જ્યારે નવરાત્રિ દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે. પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે, પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ સાથે જ સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે.
આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા પણ પત્રકાર પરિષદ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. ત્યારે નવરાત્રિને આડે એક દિવસની વાર છે. રાજ્ય સરકારે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન ફ્લેટ કે, સોસાયટીઓના રહીશોએ તેમના સોસાયટીમાં કે મહોલ્લામાં માતાજીની પૂજા-આરતી માટે કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહી. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી – પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે.
આ ઉપરાંત જાહેર કે ખાનગી જગ્યા ઉપર કોરોનાની ગાઈડલાઇન્સનું પણ ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે. જેમાં 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તેવી પણ સૂચના આપવામાં આવી છે. તદ્દનુસાર 6 ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.
જ્યારે થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. આ તમામ નિયમોનું ઉલ્લંઘન થશે તો સંચાલક અને આયોજકોની જવાબદારી રહેશે.