ગાંધીનગર પાસે આવેલા વાવોલ ગામના સંકલ્પ ફ્લેટમાં રહેતા મયુરસિંહ ચૌહાણ કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે ગત 31 ઓગસ્ટના રોજ તેમની પત્ની સાથે રાજકોટ વતનમાં ગયા હતા. તે જ દિવસની મધ્યરાત્રી 2 કલાક અને 24 મિનિટે ચડ્ડી-બનિયાનધારી ટોળકી મુખ્ય દરવાજાનુ ઇન્ટરલોક તોડી ને પ્રવેશ કર્યો હતો. મુખ્ય રૂમમાં આવેલી તિજોરીમાં રહેલું 7 તોલા સોનું અને 60 હજાર રૂપિયા રોકડા લઈને આ ટોળકી ફરાર થઈ ગઈ હતી.
તસ્કર ટોળકી દ્વારા આજુબાજુના રહીશો જાગી જાય તો પણ તેમને પકડી ન શકે તે માટે બહારથી તમામ ફ્લેટના દરવાજાને સ્ટોપર મારી દીધું હતું. આ બનાવની જાણ મયુરસિંહને કરવામાં આવતા તેઓ રાજકોટથી ભરત તેમના વાવોલ સ્થિત નિવાસ્થાને પહોંચી ગયા હતા. ત્યારબાદ તપાસ કરતા સોનાની અને રોકડની ચોરી થઈ હોવાનું માલૂમ થયું હતું.
આ બનાવની જાણ પોલીસ સ્ટેશનને કરાતા ડોગ સ્કવોડ સાથે ટીમ પહોંચી ગઇ હતી. નવુ ગાંધીનગર અને જૂના ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં આ ટોળકી દ્વારા પાંચથી વધુ જગ્યાએ પોતાની મેલી મુરાદ અને અંજામ આપ્યો છે, ત્યારે આ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, તેમ છતાં ગાંધીનગરની પોલીસ હજુ સુધી સીસીટીવી કેમેરાની સામે ચોરી કર્યા બાદ નગ્ન નાચ કરતી ટોળકીને પકડી શકી નથી.