ગાંધીનગર: જિલ્લાના સ્વર્ણિમ પાર્કમાં આ વર્ષે રાજ્યકક્ષાના 74મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કોરોના વોરિયર્સનું સન્માન કરશે. સાથે જ રાજ્યના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પણ પારિતોષિક રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આપવામાં આવશે.
વર્ષ 2020 માટે રાજ્યના શિક્ષણ વિભાગે 44 શિક્ષકોની યાદી જાહેર કરી છે. જેમાં પ્રાથમિક વિભાગમાંથી 17 શિક્ષક, માધ્યમિક વિભાગમાંથી 7, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી 3 શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી 7 શિક્ષકો અને એક કેળવણી નિરીક્ષક તથા મદદનીશ શિક્ષણ નિરીક્ષક કેટેગરીમાંથી ચાર શિક્ષક અને ખાસ શિક્ષક કેટેગરીમાંથી 2 શિક્ષકો મળીને વિવિધ કેટેગરીમાંથી ઝોન પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપવામાં આવશે.
આમ ગાંધીનગર ખાતે યોજાનારા સ્વાતંત્ર્ય પર્વમાં શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે જ્યારે આ તમામ શિક્ષકોએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી હોવાના કારણે તેમને પસંદગી કરવામાં આવી છે.