- ખોદકામ દરમિયાન ઓઈલવાળી માટી બહાર આવી
- કાટમાળ ખસેડતાં મળી આવી ઓઈલયુક્ત માટી
- માટીના નમૂના લેવામાં આવશે, ટેસ્ટીંગ પણ હાથ ધરાશે
ગાંધીનગર: કલોલ તાલુકામાં પંચવટી વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી સોસાયટીમાં ગઈકાલે વહેલી સવારે જમીનમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે બે મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા, ત્યારે આજે મકાનોના કાટમાળ ખસેડતા દરમિયાન જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો, તે જગ્યાએ ખોદકામ કરતા ઓઇલવાળી કાળી માટે બહાર આવી છે, ત્યારે હવે કાળી માટેનું ટેસ્ટિંગ કરવામાં આવશે ત્યારબાદ રિપોર્ટ ફરીથી તૈયાર કરવામાં આવશે.
ઓઈલગ્રસ્ત કાળી માટી બહાર આવી
સુરતથી મળતી માહિતી પ્રમાણે કલોલ પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટી સોસાયટીમાં જે બ્લાસ્ટ થયો હતો, તેમાં મકાન જમીનદોસ્ત થઈ ગયા હતા. જે બાદ આજે (બુધવાર) મકાનનો કાટમાળ ખસેડવામાં આવ્યો હતો. આ કામ દરમિયાન જમીનમાંથી ઓઈલવાળી કાળી માટી નીકળી હતી. જેથી લોકોએ ફરીથી તંત્ર પર આક્ષેપ કર્યા હતા.
કાળી માટી વધુ પ્રમાણમાં જોવા મળી
સ્થાનિક સંસ્થાઓની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ્યારે બંધ મકાનમાં બ્લાસ્ટ થયો હતો અને મકાન ધરાશાયી થયા હતા ત્યારે ઓએનજીસીની લાઈનમાં અથવા તો ગેસની પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી હતી, પરંતુ ઓએનજીસીના અધિકારીઓ સ્પષ્ટતા કરી હતી કે, વાંચીને કોઈ પણ લાઇનમાં ફોલ્ટ નથી જ્યારે અન્ય કોઈ લાઇનમાં ફોલ્ટ હોવાની વાત સામે આવી હતી. પરંતુ જ્યારે ખોદકામ દરમિયાન કાળી માટી નીકળી છે તો આ કાળી માટી કયાં કારણથી આવી અને ઓઈલ શા માટે મળ્યું તે અંગે પણ લોકોએ તંત્ર સમક્ષ પ્રશ્નો કર્યા છે.
તપાસના આદેશ
આ ઘટના બાદ ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યે સમગ્ર ઘટના બાબતે સ્થાનિક તંત્રને લેખિત રિપોર્ટ તૈયાર કરવાના આદેશ આપ્યા હતા, ત્યારે આ ઘટના દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના લોકસભાના સાંસદ અમિત શાહે પણ કલેકટર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હતી અને કામગીરી કરવાના પણ આદેશો આપ્યા હતા, ત્યારે હવે ફરીથી મકાનોના ખોદકામ દરમિયાન કાળી માટી નીકળતા અનેક પ્રશ્નો તંત્ર સમક્ષ ઊભા થઈ રહ્યા છે.