ગાંધીનગરઃ ગુજરાતમાં નવરાત્રિનો માહોલ જામતો જાય છે. સરકાર તરફથી ગરબાની સમય મર્યાદામાં રાહત આપવામાં આવી છે. આ જાહેરાતથી ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો છે. જો કે જાણકારો માની રહ્યા છે કે લોકસભા 2024 ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી છે તેથી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
મોડે સુધી ચાલતા ગરબા બંધ ન કરાવવાઃ આજે રાજ્ય સરકારના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ તમામ રેન્જ આઈજી, પોલીસ કમિશ્નર, એસ.પી. સાથે નવરાત્રિ સંદર્ભે વીડિયો કોન્ફરન્સ કરી છે. જ્યાં મોડી રાત સુધી ગરબા ચાલતા હોય ત્યાં પોલીસ પહોંચીને ગરબા બંધ કરાવે છે. ગૃહ પ્રધાને પોલીસ કર્મચારીઓને નવરાત્રિના બાકીના દિવસ દરમિયાન મોડે સુધી ચાલતા ગરબા બંધ ન કરવાની સૂચના આપી છે. આમ હવે ગુજરાત પોલીસ એક પણ જગ્યાએ મોડે સુધી ચાલતા ગરબા બંધ નહીં કરાવે જેથી ખેલૈયાઓ મન મુકીને રાસ ગરબા રમી શકશે.
ફાસ્ટફૂડ પાર્લર માટે સૂચનાઃ ગરબા રમ્યા બાદ ખેલૈયાઓ નાસ્તાની શોધમાં નીકળતા હોય છે. તે સંબંધી સૂચના પણ ગૃહ પ્રધાને આપી છે. જે પાર્લરો મેઈન ટ્રાફિક જંક્શન કે ક્રોસ રોડથી દૂર હોય એટલે કે રોડથી થોડા અંતરિયાળ વિસ્તારમાં હોય તે ફાસ્ટફૂડ પાર્લર કે ફૂડ કોર્ટને મોડી રાત સુધી ચાલુ રહેવા દેવામાં આવશે. તેથી ખેલૈયાઓ ગરબામાં ઝુમ્યા બાદ શાંતિથી નાસ્તાની મજા પણ માણી શકશે. જો કે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય તેવા પોઈન્ટ પર ફૂડ પાર્લરને મોડા સુધી ચાલુ રાખવામાં દેવામાં આવશે નહીં. તેથી શહેરના ઘણા સ્થળો પર ખેલૈયાઓને ગરબા રમ્યા બાદ નાસ્તાની સગવડ મળી રહેશે. આ સૂચનાઓ ખેલૈયાઓના હિતમાં લેવામાં આવ્યા છે.
મા અંબાની આરાધના ના નવ દિવસ એટલે કે નવરાત્રીના તહેવાર નિમિત્તે ગુજરાત આખું ગરબે ઝુમતું હોય છે, ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ખાસ કરીને ગરબા અને ગરબા થકી ગુજરાતની સંસ્કૃતિ દેશ અને દુનિયા સુધી પહોંચી છે ત્યારે ગુજરાતના તમામ ખેલૈયાઓ શાંતિપૂર્વક અને આનંદપૂર્વક ગરબાનો આનંદ લઈ શકે તે માટે નવરાત્રી સમયસર શરૂઆત થાય અને વધુમાં વધુ સમય સુધી લોકો ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન તરફથી પોલીસને પણ ખાસ સૂચના આપવામાં આવી છે... હર્ષ સંઘવી(ગૃહ પ્રધાન, ગુજરાત રાજ્ય)
નાના વેપારીઓને ફાયદોઃ આખા વર્ષમાં નવરાત્રી શરૂઆત થઈને દિવાળી સુધી પોતાના વેપાર માટે સૌથી મહત્વના દિવસો ગણાતા હોય છે ત્યારે આ દિવસોમાં વધુમાં વધુ વેપાર થાય તે માટે પણ પોલીસને ખાસ સૂચન આપવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના લારી ગલ્લાઓ પાથરણા ને બંધ કરાવવાની જગ્યાએ વધુમાં વધુ સમય દુકાન ચલાવી શકે તે માટેની પણ સૂચના પોલીસ તંત્રને આપવામાં આવી છે.