ગાંધીનગર: ગુજરાતમાં નર્મદા કેનાલ ઉપર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓને પાણી મળી રહે તેને ધ્યાનમાં લઈને 24 એપ્રિલ 2008થી નર્મદા કેનાલ યોજના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ પ્રોજેક્ટને 15 વર્ષે પૂર્ણ થયા હોવા છતાં પણ નર્મદા યોજનાના કામ હજી સુધી પૂર્ણ થયા નથી.પ્રશ્નોત્તરીમાં જણાવ્યા મુજબ અંદાજિત હજુ 5,975 કિલોમીટરના કામ બાકી છે.
કેટલા કામ હજુ બાકી: કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા નર્મદા યોજનાના કામ પૂર્ણ કરવા બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2022 ની પરિસ્થિતિએ રાજ્ય સરકારે પ્રશ્નોત્તરીમાં લેખિત જવાબ આપ્યો છે. જેમાં મુખ્ય નહેરનું કામ પૂર્ણ થયું છે. પરંતુ શાખા નહેરમાં 0.927 કિલોમીટર, વિશાખા નહેર 171.678 કિલોમીટર, પ્રશાખામાં 1070.842 કિલોમીટર, અને પ્રપ્રશાખામાં 4732.194 કિલોમીટર ના કામ હજુ બાકી છે. આમ નર્મદા પ્રોજેક્ટ અંતર્ગત કુલ 69,497.409 કિલોમીટર ના કામ માં 63,521.768 કિલોમીટર ના કામ પૂર્ણ થયા છે.
બ્રિજની કામગીરી: જ્યારે હજુ 5975.641 કિલોમીટરના કામ હજુ બાકી છે. ઉપરાંત અંદાજિત લંબાઈમાં હજુ વધઘટ થવાની પણ સંભાવના રાજ્ય સરકારે દર્શાવી છે. જ્યારે મુખ્ય બંધ દરવાજાની કામગીરી નદી તટ જળ વિદ્યુત મથક નહેર જળ વિદ્યુત મથક ઇરીગેશન બાયપાસ ટનલ તેમજ સરદાર સરોવર બંધની નીચેવાસમાં વીયર અને ગોરા હાઈ લેવલ બ્રિજની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.
ક્યાં પ્રોજેક્ટ કાર્યરત: રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર શાખા નહેર ઉપર સોલાર વિદ્યુત મથકની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ હજુ પણ 35 મેગા વોટ ના પ્રોજેક્ટ કાર્યરત છે. જ્યારે લઘુચળ વિદ્યુત મથકોમાં કુલ 85.46 મેગા વોટ ના પ્રોજેક્ટ પૈકી 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ 63.80 મેગા વોટ ના કામ પૂર્ણ થયા છે. જ્યારે અન્ય કામો હજી પણ પ્રગતિમાં હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.
ખેડૂતોને શુ થશે ફાયદો: કોંગ્રેસમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા યોજના પૂર્ણ થવાથી ગુજરાતમાં કેટલો ફાયદો થશે. કેટલા હેક્ટર વિસ્તાર જમીનને સિંચાઈનો લાભ મળશે. તે બાબતના પ્રશ્નોના ઉત્તરમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે નર્મદા યોજનામાં 31 ડિસેમ્બર 2020 સુધીના કામો પૈકી 15.38 વિસ્તારને વિકસિત કરવામાં આવે છે. જ્યારે ખેડૂતોની માંગણી અને પાણીની ઉપલબ્ધતા ને આધારે જળ વર્ષ 2021-22 સુધી 11.01 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈ થયું છે.
પાણી વધારવાની જાહેરાત:રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે 1 માર્ચ ના રોજ જણાવ્યું હતું કે નર્મદા ટ્રીબ્યુનલ ઓથોરિટી દ્વારા ગુજરાતને વધારાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા ગુજરાત રાજ્યને 9 મિલિયન એકર ફીટ પાણી મળતું હતું. ત્યારે આ વખતે નર્મદા ટ્રીબ્યુનલ બેઠકમાં ગુજરાત ને 2.87 મિલિયન એકર ફીટ પાણીનો વધારો આપવામાં આવ્યો છે. આ નિર્ણય થી હવે ગુજરાતને 11.87 મિલિયન એકર ફીટ પાણી મળશે. આ નિર્ણયથી ખેડૂતોને લાભ થશે.