ગાંધીનગર: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી સીધા મોટેરા સ્ટેડિયમ જવાના છે. ઈન્દિરાબ્રિજ વટાવ્યા પછી ભાટથી કોટેશ્વર સુધીનો વિસ્તાર ગાંધીનગર જિલ્લાની હદમાં આવે છે. ગાંધીનગરની હદના વિસ્તારમાં ટ્રમ્પના સ્વાગત માટે સાત સ્ટેજ બનાવવામાં આવ્યાં છે. ટ્રમ્પના રોડ શો દરમિયાન અને સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેનારા નાગરિકોને અગવડ ના પડે તે હેતુથી તંત્ર દ્વારા ફૂડ પેકેટ્સ, ઠંડી છાશ, પીવાના પાણી અને શૌચાલય સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ખાસ કરીને રોડ શો માટે ભાટથી કોટેશ્વર સુધીના માર્ગ પર ઊભા રહેલા લોકોને દૂર ન જવું પડે અને અગવડ ના પડે તે હેતુથી નજીક-નજીકના અંતરે મોબાઈલ ટોઈલેટ્સ મૂકવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને ટીડીઓ સહિતના અધિકારીઓએ સરપંચો સાથે આયોજન અંગે બેઠક કરી હતી. રાંદેસણના સરપંચ પોપટસિંહ ગોહિલ, રાયસણના રીટાબેન પટેલ, કુડાસણના અંબાલાલ પટેલ, સુઘડના મહોતજી ઠાકોર, અંબાપુરના સુરેશજી ઠાકોર, ભાટના હર્ષદભાઈ પટેલ અને કોબાના યોગેશભાઈ નાયીએ નાગરિકોને સ્થળ સુધી પહોંચાડવા સહિતની જવાબદારી સ્વીકારી હતી. દરેક ગામમાંથી 1500 જેટલા નાગરિકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગ્રામજનોને ભાતીગળ પહેરવેશમાં સજ્જ થવા માટે પણ કહેવાયું છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી.સી. દવેએ શનિવારે અધિકારીઓ સાથે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાઓ ચકાસી હતી. નાગરિકોને લઈને આવતી બસ માટે પાર્કિંગની વ્યવસ્થા તથા રોડ શો દરમિયાન ઊભા રહેવા માટેની જગ્યા માટે ઊભી થયેલી વ્યવસ્થા તેમણે નિહાળી હતી. ઈન્દિરા બ્રિજથી કોટેશ્વર સુધી ઊભા કરવામાં આવેલા સાત સ્ટેજની વ્યવસ્થા તેમણે ચકાસી હતી.
આ સાથે પતરાની દીવાલો અને કાપડના પડદા પણ જરૂરિયાત મુજબ ઊભા કરવા તેમણે માર્ગદર્શન આપ્યુ હતું. કયા વિસ્તારમાંથી આવતી બસોનું કયા સ્થળે પાર્કિંગ થશે તે નિયત કરવામાં આવ્યુ હતું તથા પાર્કિંગ માટે પસંદ થયેલા સ્થળો પર સફાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે 8 કલાકે બસો ગાંધીનગરમાં નિયત થયેલા વિવિધ પોઈન્ટ પરથી રવાના થશે અને 10 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોંચી જશે.
સાત સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્ટેજ બનવામા આવ્યાં છે. પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિની ઝાંખીને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈન્દિરા બ્રિજથી કોટેશ્વર સુધીમાં સાત સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેજ પર ગાંધીનગર સહિત અન્ય શહેરના કલાકારો અને કલાવૃંદો રાસ-ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરશે. જે મધર ડેરી, કનોરિયા હોસ્પિટલ, ભાટ-કોટેશ્વર ચાર રસ્તા નજીક બે સ્ટેજ, કોટેશ્વર ગરનાળા પાસે, રવિ ફાર્મ નજીક ઔડા ગાર્ડન પાસે ગરબા રજૂ થશે.
જિલ્લા આરોગ્ય વિભાગની વિવિધ ટીમો રોડ શો દરમિયાન ખડે પગે રહેશે. તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહિતની આ ટીમને ઈમરજન્સી કિટ આપવામાં આવી છે. ખાસ કરીને ગરમી શરૂ થઈ છે ત્યારે નાગરિકોને મદદરૂપ બનવા માટે આયર્ન ગોળીઓ પણ સાથે રખાઈ છે. લાખો નાગરિકો ભેગા થવાના છે, ત્યારે આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા એમ્બ્યુલન્સ અને 108ની ટીમોને પણ તૈનાત રાખવામાં આવશે.
સાફા અને ચણિયાચોળી સાથે આકર્ષક વેશભૂષા રંગ જમાવશે. સુઘડ, કોબા, અબાપુર, રાયસણ, સરગાસણ, કુડાસણ, તારાપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં નાગરિકો નમસ્તે ટ્ર્મ્પ કાર્યક્રમમાં જોડાશે. આ પ્રસંગે મહિલાઓને ચણિયા ચોળી તથા પુરુષોને માથા પર સાફા સાથે હાજર રહેવા માટે જણાવાયું છે. પરંપરાગત ગુજરાતી પહેરવેશની સાથે વેશભૂષાની રંગત પણ આ પ્રસંગે જોવા મળશે. મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો અને રંગલા-રંગલી જેવી ભાતીગળ વેશભૂષામાં સજ્જ નાગરિકો ભારતના ગૌરવશાળી ઈતિહાસ અને સંસ્કૃતિને રજૂ કરશે. બીજી તરફ પાસે આવેલી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આબેહૂબ મોટેરા સ્ટેડિયમ અને નરેન્દ્ર મોદી તથા કંપની કલાકૃતિ બનાવવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે.