અગોરા મોલને અડીને આવેલા પાશ્વનાથ એટલાન્ટિક પાર્ક સોસાયટીમાં બ્લ્યૂ-H ખાતે સોમવારે મોડી સાંજે એકાએક બુમાબુમથી લોકો દોડતા થયા હતા. ફ્લેટ નંબર-201 ખાતે રહેતાં સુધીર શર્માની બુમો સાંભળી પાડોશીઓ ત્યાં પહોંચ્યા તો ઘરના મુખ્ય દરવાજા પાસે જ તેમની પત્ની ગુંજન શર્મા (26 વર્ષ)નો મૃતદેહ પડ્યો હતો. લોકોએ તેમની પોણા બે વર્ષની પુત્રીની તપાસ કરતાં તે બાજુના જ રૂમમાં મળી આવી હતી. હત્યાની ઘટના અંદાજે એકથી બે વાગ્યાના સુમારે થઈ હતી.
મોડી સાંજે પતિ આવતા અંદાજે 5થી 6 કલાક જેટલો સમય સુધી મૃતદેહ પડી રહ્યો હતો અને ત્યાં સુધી મૃતકની પોણા બે વર્ષની પુત્રી ચાર્મી બીજા રૂમમાં પુરાઈ રહી હતી. મૃતક ગુંજનબેન પતિ સાથે અહીં છેલ્લા ચારેક વર્ષથી રહેતાં હતા. પતિ સુધીર શર્મા અમદાવાદ SVP હોસ્પિટલમાં બ્રધર્સ ઈન્ચાર્જ છે. ઘટના અંગે અડાલજ પોલીસે મૃતકના પાડોશીની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. એટલાન્ટિક પાર્ક સોસાયટીમાં CCTV નથી તો અવરજવરમાં માટે મુખ્ય રસ્તા સાથે પાછળ બીજો રસ્તો છે. જ્યાંથી ચાલતા આવી શકાય તેમ છે.

મળેલી માહિતી પ્રમાણે, સોમવારે બપોરે એકથી દોઢના ગાળામાં નાની બાળકીની બુમો અને રડવાનો અવાજ સાંભળી પાડોશીઓ ગયા હતા. સૌથી પહેલાં પહોંચેલા મહિલાએ દરવાજાને ધક્કો મારતા સામેથી ધક્કો આવ્યો હતો અને દરવાજો અંદરથી બંધ થઈ ગયો હતો. મહિલાઓએ મૃતકના નામની બૂમો પાડતા કોઈ જવાબ ન આવતા તેઓ જતા રહ્યાં હતા.
હત્યાને પગલે અડાલજ પોલીસ, LCB અને SOG પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. હત્યા માટે વપરાયેલ હથિયાર મળ્યું નથી, જે કોઈ ધારદાર છરો હોવાની શક્યતા જોવાઈ રહી છે. તો બીજી તરફ હત્યાનું કારણ જાણવા માટે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. કારણ કે ઘરમાંથી ચોરી જેવું કઈ થયું નથી.