વિધાનસભા ખાતે લીલીયા અને સાવરકુંડલા તાલુકાના રસ્તાના કામના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, માર્ગ-મકાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા, તાલુકા, ગામડા અને નેશનલ હાઇવે, ગરનાળા, મોટા ઓવરબ્રીજ, ફલાય ઓવરબ્રીજના કામો હાથ ધરાઇ રહ્યા છે. વિકાસ કામોમાં ટેકનોલોજીના ઉપયોગને કારણે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય અને ભાવો ઓછા આવે છે.
જે પારદર્શિતાને લીધે હરીફાઇ વધી છે અને ગુણવત્તાલક્ષી કામો હાથ ધરાયા છે. માર્ગ મકાન વિભાગમાં પૂરતું માનવબળ મળી રહે એ માટે સેકશન ઓફિસર અને નાયબ સેકશન ઓફસરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. તેમના દસ્તાવેજ ચકાસણી કામગીરી ચાલી રહી છે. જેની માર્ચ-2020 સુધી નિમણૂકો પણ આપી દેવાશે. એ જ રીતે 285 મદદનીશ ઇજનેર, 85 ડેપ્યુટી એન્જિનિયરની નિમણૂંક માટેની પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે. જે સત્વરે પૂર્ણ કરીને નિમણૂક અપાશે.
જ્યારે ગ્રામ્યસ્તરે છેવાડાના માનવીને માર્ગ સુવિધા પૂરી પાડવા માટે મુખ્યમંત્રી 'ગ્રામ સડક યોજના' કાર્યાન્વિત કરી છે. જેના પરિણામે ખેડૂતોની જમીનના ભાવો ઊંચા આવ્યા છે. તથા ઉત્પાદન થયેલા પાકોના બજારભાવ પણ ઊંચા આવ્યા છે.
અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા 189 કરોડના ખર્ચે 177 કામો હાથ ધરાયા છે, તે પકી 60 કામો પૂર્ણ કરાયા છે, 45 કામો પ્રગતિમાં છે, 72 કામો સત્વરે હાથ ધરીને પૂર્ણ કરવામાં આવશે.