ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ 390 કેસ નોંધાયા છે. જેમાં રોજની જેમ અમદાવાદ મોખરે છે. તેવા સમયે કોરોનાને કાબુમાં લેવા હવે દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે તેવું રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું.
રાજ્યમાં કોરોનાના કેસ 7 હજારનો આંકડો વટાવી ચૂક્યા છે, અમદાવાદમાં અથાગ પ્રયાસ છતા કાબૂમાં આવતો નથી. ત્યારે આજે પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. એ જ રીતે મોતનો આંકડો પણ અમદાવાદમાં સૌથી વધુ સામે આવે છે. જેમ લોકોની તપાસ કરવામાં આવી રહી છે એમ કેસો વધુ સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. જે જિલ્લાઓ ચેપમુક્ત છે તે પણ ચેપગ્રસ્ત થઇ રહ્યા છે. તેવામાં આજે વધુ કુલ 390 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
- ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા કહ્યુ કે, આજે રાજ્યમાં વધુ નવા 390 કેસ નોંધાયા છે.
- સાંજ સુધીમાં 24 કલાક દરમિયાન અમદાવાદમાં 269, સુરતમાં 25, વડોદરામાં 29, ગાંધીનગરમાં 9, બનાસકાંઠા 8, ભાવનગરમાં 1, અરવલ્લીમાં 20 કેસ નોંધાયા છે.
- આ સાથે જ 24 લોકોના મૃત્યુ થયા છે. 5056 લોકો હાલ સારવાર હેઠળ છે અને 26 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 163 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
- ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 7403 થયો છે. જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 5260 થયો છે.