ગાંધીનગરઃ પાટનગરમાં કોરોના સંક્રમણના વધુ ચાર દર્દી નોંધાતા કુલ આંકડો 97 પર પહોંચ્યો છે. શુક્રવારે સંક્રમણનો ભોગ બનેલા ચાર વ્યક્તિમાં પુરવઠા વિભાગના એડિશનલ કલેક્ટર ઉપરાંત ત્રણ મહિલાનો સમાવેશ થાય છે અને આ તમામ વ્યક્તિ અલગ-અલગ વિસ્તારમાં આવેલા સરકારી ક્વાર્ટર્સમાં રહે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધુ 6 લોકો સંક્રમિત થયા છે. આ સાથે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં કોરોનાના 10 કેસ સામે આવ્યાં છે.
ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આવેલા સેકટર-9માં સરકારી ક્વાર્ટરમાં રહેતા અને ગાંધીનગર ખાતે પુરવઠા નિગમમાં એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પુરવઠા નિગમના સંખ્યાબંધ અધિકારીઓ અને કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. જેના પગલે એડિશનલ કલેક્ટરના સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને શુક્રવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
સેકટર-28 ખાતે જ ટાઈપના સરકારી મકાનમાં રહેતી 32 વર્ષીય ગૃહિણી કોરોનાગ્રસ્ત જાહેર થઈ છે. આ સાથે સેકટ-29માં 16 વર્ષની કિશોરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કિશોરીના પિતા એસઆરપીમાં ફરજ બજાવી રહ્યાં છે. સેકટર-29માં રહેતા 51 વર્ષીય મહિલા કેન્સરની સારવાર માટે છેલ્લા કેટલાક સમયથી કેન્સર હોસ્પિટલમાં દાખલ હતા અને બાદમાં એસવીપીમાં ખસેડવામાં આવ્યા હતા. પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા અને પરિવારના સભ્યો સહિત કુલ 95 વ્યક્તિને ક્વોરનટાઈન કરવામાં આવ્યા છે.
માણસા તાલુકાના બદપુરા ગામમાં ગઈકાલે પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેની સાથે ફરતા તેના 35 વર્ષીય મિત્ર અને મિત્રના પત્નીને પણ કોરોનાના લક્ષણો જણાતા શનિવારે બંનેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ઇટાદરા ગામમા રહેતા 42 વર્ષીય પુરુષને ગત 19 તારીખે આંતરડાનું ઓપરેશન માટે ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કલ્યાણપુરા સુથાર વાસમા રહેતા 72 વર્ષીય વૃદ્ધને પ્રાંતિજ અને રૂપાલથી દીકરીઓ મળવા આવી હતી. જેથી સંક્રમિત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
કલોલમાં આવેલા ગાયોના ટેકરા વિસ્તારમાં રહેતા 52 વર્ષીય આધેડ કોરનાગ્રસ્ત થયાં છે, જેમનો પુત્ર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. જ્યારે ભત્રીજો વડોદરાથી મળવા આવ્યો હતો. તેમનાથી ચેપ લાગ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. બીજી તરફ મહેન્દ્ર મીલની ચાલીમાં રહેતા 54 વર્ષીય મહિલા પોઝિટિવ આવ્યા છે, અગાઉ આ ચાલીમાંથી બે કેસ સામે આવ્યા હતાં.