ગાંધીનગર : 30 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 6.30 કલાકે મોરબીમાં મચ્છુ નદીનો કેબલ બ્રિજ તૂટતા 135 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે SIT ની રચના કરી હતી. SIT રિપોર્ટ હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર સમાજના આગેવાન એવા લલિત વસોયા, લલિત કગથરા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર નિશાન સાધ્યું હતું.
પાટીદાર આગેવાનનો વિરોધ : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન એવા લલિત કગથરા આક્ષેપ કર્યો હતો કે, અત્યાર સુધીમાં ત્રણ વખત મોરબીનો કેબલ બ્રિજ રિપેર કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં એક પણ વખત આ બ્રિજને ફિટનેસ સર્ટિફિકેટ તંત્ર દ્વારા આપવામાં આવ્યું નથી. જ્યારે 30 ઓક્ટોબરના રોજ બ્રિજ પડ્યો ત્યારે ફક્ત એક જ કેબલ તુટ્યો હતો. સરકારે રચાયેલી SIT માં સર્ટિફિકેટનો મુદ્દો મૂકીને ઓરેવા કંપનીના જયસુખભાઈને ફસાવવાની ચાલ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ લલિત કગથરાએ કર્યો હતો.
સરકાર પર આક્ષેપ : લલિત કગથરાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર હાલમાં પાટીદાર સમાજના અગ્રણી ઉદ્યોગકારોને ફસાવી રહી છે. જ્યારે મોરબીમાં જયસુખભાઈ અને અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં પણ પાટીદાર આગેવાનો અને ઉદ્યોગકારોને ફસાવવામાં આવ્યા છે. ત્યારે આ બંને ઘટનાઓને ધ્યાનમાં લઈને લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આગેવાનોએ કહ્યું હતું કે, પાટીદાર સમાજની તમામ અગ્રણી સંસ્થાને સાથે રાખીને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં પણ જો નહીં માનવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ફરીથી પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
અત્યાર સુધીમાં ત્રણ વખત મોરબીનો કેબલ બ્રિજ રિપેર કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં એક પણ વખત આ બ્રિજને ફિટનેસ સર્ટિફિકેટ તંત્ર દ્વારા આપવામાં આવ્યું નથી. આ મામલે પાટીદાર આગેવાનો અને ઉદ્યોગકારોને ફસાવવામાં આવ્યા છે. -- લલિત કાગથરા (પૂર્વ ધારાસભ્ય)
વિપક્ષનો દાવો : નેતાઓએ આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ સરકાર પાટીદાર ઉદ્યોગકારો સાથે અન્યાય કરી રહી છે, જ્યારે SIT નો રિપોર્ટ નિષ્પક્ષ ન હોવાનો આક્ષેપ પાટીદાર નેતાઓએ કર્યો હતો. કોંગ્રેસની જગ્યાએ ઓરેવા કંપનીના જયસુખ પટેલ ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસને આજ દિન સુધી એક મત પણ નથી આપ્યો તેવું નિવેદન પર લલિત કગથરાએ કર્યું હતું.
હાઈકોર્ટમાં કેસ ચાલુ : મોરબી બ્રિજ ઘટનાની વાત કરવામાં આવે તો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર ઘટના બાબતે સુવા મોટો લેવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં આ કેસ હાઇકોર્ટમાં કાર્યરત છે. જ્યારે બ્રિજ ઘટના બાબતે લલિત કગથરાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે SIT દ્વારા ટાંકવામાં આવ્યું છે કે, ઓરેવા કંપનીએ દુર્ઘટનાની તકેદારીના ભાગરૂપે લાઈફ જેકેટ, હોડી, તરવૈયાઓ, મેડિકલ ઇમરજન્સી સિક્યુરિટી રાખી ન હતી. જ્યારે છેલ્લા 40 વર્ષથી મોરબી નગરપાલિકા દ્વારા ઝુલતા પુલનું સંચાલન કરવામાં આવતું હતું. ત્યારે પણ આવું ક્યારેય રાખવાનું કે કરવામાં આવ્યું નથી. જેથી આવા નિયમો બનાવીને ઓરેવા કંપનીને ફસાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લલિત કગથરાએ કર્યો હતો.