ગાંધીનગર: ગુજરાત સરકારમાં હાલમાં 70થી 80 હજાર જેટલા કર્મચારીઓ ફિક્સ પે સિસ્ટમમાં કાર્યરત છે. ગુજરાત સરકાર ફિક્સ પે હટાવોની માંગ સાથે છેલ્લા કેટલાય દિવસથી કર્મચારીઓ સંગઠન બનાવીને લડાઈ લડી રહ્યા છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારમાં લોકો મટકી ફોડનો કાર્યક્રમ કરતા હોય છે. તેવી જ રીતે આજે ફિક્સ પેના કર્મચારીઓએ એકઠા થઈને જય રણછોડ માખણ ચોર ફિક્સ પગાર ગુજરાત છોડના નાદ સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજ્યો હતો.
મટકી ફોડીને ધાર્મિક રીતે વિરોધ: રાજ્યના ફિક્સ પેના કર્મચારીઓએ આજે મટકી ફોડીને ધાર્મિક વિરોધ કર્યો હતો. નવા સચિવાલય, જુના સચિવાલય, કર્મયોગી ભવન, ઉદ્યોગ ભવન, ઋષિભવનના કર્મચારીઓ કે જેઓ ફિક્સ પેમાં હાલમાં કામ કરી રહ્યા છે. તેઓએ ચેપ્ટર 8 ખાતે આવેલ સરકારી આવાસમાં મટકી ફોડીને ફિક્સ બેનો પ્રતિકારાત્મક રીતે વિરોધ કર્યો હતો. જેમાં 50થી 60 જેટલા ફિક્સ પેના કર્મચારીઓ અને પરિવારજનો હાજર રહ્યા હતા.
'રાજ્યમાંથી ફિક્સ પે પગાર નાબૂદ થાય તે માટે સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે શ્રીકૃષ્ણ ભગવાને જે રીતે કંસનો સંહાર કરીને વ્રજવાસીઓને તેમના શોષણમાંથી મુક્તિ આપી હતી. તે જ રીતે આ રીતે ફિક્સ પગાર વર્ગ-3ના કર્મચારીઓનું શોષણ કરી રહ્યો છે. અમે સરકારને પ્રતિકારાત્મક રીતે આ મુદ્દો પહોંચાડ્યો છે કે કંસ જેમ પ્રજાનું શોષણ કરતો હતો તેમ કર્મચારીઓનું પણ હાલ શોષણ થઈ રહ્યું છે તે દૂર કરવામાં આવે.' - ભારતેન્દુ રાજગોર, ફિક્સ પે કર્મચારીઓના આગેવાન
સરકાર દિવાળી સુધારે તેવી આશા: ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા દિવાળી સુધી આંદોલનની અને પ્રતિકારાત્મક વિરોધની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દિવાળીની આસપાસ ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 25થી 30 ટકા સુધીનો વધારો કરી શકે તેવી પણ શક્યતાઓ સૂત્રો તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આમ પગારમાં કુલ 4000 રૂપિયાની આસપાસનો વધારો થઈ શકે છે.