જામનગર : બીએસએફના શહીદ વીર આસિસ્ટન્ટ કમાન્ડો વિનુ સ્વામીનાથનનો મૃતદેહ જામનગર લવાયો છે. તેઓનું જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. જામનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે શહીદ વીરને આખરી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે બીએસએફના ઓફિસરો અને એસ પી, ડીવાયએસપી ઉપસ્થિતિ રહ્યાં હતાં.
ઘેરથી નીકળી અંતિમયાત્રા : શહીદ વીર જવાનઆસિસ્ટન્ટ કમાન્ડો વિનુ સ્વામીનાથનનો મૃતદેહ જે બાદ તેમના ઘરે લવાયો હતો. બપોરે 3:30 વાગ્યે તેમની અંતિમયાત્રા શહેરના માર્ગો પરથી નીકળી હતી. જેમાં જામનગરવાસીઓએ અશ્રુભીની આંખે આખરી વિદાય આપી હતી. આસિસ્ટન્ટ કમાન્ડો વિનુ સ્વામીનાથનનું ઘર જામનગરમાં પંચવટી સર્કલ પાસે આવેલું છે જ્યાંથી પરિવારજનોની હૃદયવિદારક સ્થિતિમાં સ્મશાનયાત્રા નીકળી હતી. શહીદ વીરના પરિવારમાં તેમના માતા, તેમની પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. તેમના પિતા ફાયરવિભાગમાં ફરજ બજાવતાં હતાં.
એક મહિના પહેલાં જમ્મુ કાશ્મીરમાં બદલી થઈ : શહીદ વીર વિનુ સ્વામીનાથનનું પોસ્ટિંગ પંજાબમાં હતું અને એક મહિના પહેલા તેમની બદલી જમ્મુ કાશ્મીરમાં થઈ હતી. અહીં તેઓ કૂપવાડામાં ફરજ બજાવતા હતાં તે દરમિયાન તેમને રાત્રે હદયરોગનો હુમલો આવ્યો હતો અને શહીદ થયા છે. શહીદ વીર વિનુ સ્વામીનથન 2002માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બીએસએફમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓ એસપીજી કમાન્ડો તરીકે પણ ફરજ બુજાવી ચૂક્યા છે.
દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના : શહીદ વીર વિનુ સ્વામિનારાયણ 2002ની ભરતીના જવાન છે. તેઓ છેલ્લા 21 વર્ષથી માતૃભૂમિની સેવા સાથે જોડાયેલા હતાં. 2002માં તેમની સાથે ટ્રેનિંગમાં સાથે રહેલા જવાન વિનોદ ચૌધરી જણાવી રહ્યા છે કે તેઓ પહેલેથી ફિટ હતા અને કોઈ બીમારી પણ તેમને ન હતી. ટ્રેનિંગના તમામ દાવપેચ સારી રીતે ઉકેલતાં હતાં અને હમેશા દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખતા હતાં.
સોનિયા ગાંધીની કમાન્ડો ટીમમાં હતાં : ટીમ જામનગર મહાનગરપાલિકામાં ફાયરબ્રિગેડ ઓફિસર તરીકે અગાઉ ફરજ બજાવનાર સ્વ. ગોપીનાથનના પુત્ર અને બીએસએફમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા વિનુ સ્વામીનાથનનું જમ્મુ કાશ્મીરમાં ચાલુ ફરજ દરમિયાન હૃદયરોગના હુમલામાં નિધન થયું છે. આ શહીદ જવાન બીએસએફમાં (કમાન્ડર) કેપ્ટન હતાં, અને કમાન્ડો તરીકે પણ ફરજ બજાવી હતી. તેઓ ઈન્ટરનેશનલ બ્લેક બેલ્ટ કમાન્ડો હતાં. અગાઉ તેઓએ સોનિયા ગાંધીની બ્લેક બેલ્ટ કમાન્ડોની સુરક્ષા ટીમમાં પણ સેવા આપી હતી. વિનુ સ્વામીનાથને જામનગર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.