ઉત્તરાયણમાં ચાઇનિઝ દોરી અને પ્લાસ્ટિકના પતંગ માનવ સહિત પક્ષીઓ માટે ઘાતક પુરવાર થયા છે. જેથી તેની ઉપર પ્રતિબંધ હોવા છતાં ગાંધીનગર શહેર અને તાલુકાના વિસ્તારોમાં ગેરકાયદે વેપલો ધમધમતો હોવાનું તપાસમાં ખુલ્યુ છે. તેના પગલે ગાંધીનગર મામલતદાર સુનિલભાઇ રાવલ તેમની ટીમ સાથે બજારમાં પહોંચી ગયા હતાં. તેઓ વાવોલની દુકાનમાં ગ્રાહક બનીને ગયા હતાં અને ચાઇનિઝ દોરી માગતા વેપારીએ તેમને વેચી હતી. ત્યાંથી 15 હજાર વારથી વધુ ચાઇનિઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો. તે ઉપરાંત તેમની ટીમે સેક્ટર-7, 21,24, પેથાપુરમાંથી પણ ચાઈનીઝ દોરીનો જથ્થો પકડ્યો હતો અને સેક્ટર-21માંથી પ્લાસ્ટિકના પતંગનો જથ્થો પણ પકડાયો હતો.
ઉત્તરાયણને હજુ 4 દિવસ બાકી છે ત્યારે જીલ્લામાં કોઈ પણ વેપારી ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરે તેને માટે ટીમ બનાવવામાં આવી છે. જે અધિકારીઓ ગ્રાહક બનીને પતંગ બજારમાં રેડ કરશે, જે લોકો વેપાર કરતા હશે તેની સામે દંડ વસુલી કાર્યવાહી હાથ ધરશે, પરંતુ કોઈ નિર્દોષનો જીવ નહીં જાય તે માટેના તમામ પ્રયાસ કરાશે.