ગાંધીનગર: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પટેલના સંગઠનમાં સંગઠન મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહેલા પ્રદીપસિંહ વાઘેલાનું અચાનક જ ભાજપ પક્ષ દ્વારા રાજીનામું માંગી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા જ પ્રદીપસિંહ વાઘેલાનો સંગઠન દ્વારા રાજીનામું માંગ્યું હતું અને પ્રદીપસિંહ વાઘેલા રાજીનામું પણ આપી દીધું છે. સમગ્ર બાબતે પ્રદિપસિંહ વાઘેલાએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતમાં કહ્યું હતું કે હા તેઓએ રાજીનામું આપ્યું છે.
રાજીનામાની વાત જુની: ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું લેવાની વાત સામે આવી છે ત્યારે વધુ મળતી માહિતી મુજબ છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજીનામાની ચર્ચા ચાલી રહી હતી. આ રાજીનામું અગાઉ જ લઈ લેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચનાથી 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધાનું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર બાબતે ETV ભારતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજીનામું આપનાર પ્રદીપસિંહ વાઘેલાને બે વખત ટેલીફોનિક વાત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ બંને નેતાઓએ ફોન રિસીવ કર્યો ન હતો.
પ્રવકતાઓ મીડિયાથી દૂર રહ્યા: આ સમગ્ર બાબતે ભાજપ પ્રદેશના ગુજરાત પ્રભારી રત્નાકરજીને 2 વખત ટેલિફોન સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ તેઓ ફોન રીસિવ કર્યા ન હતી. જ્યારે મુખ્ય પ્રવકતા યમલ વ્યાસ સાથે ટેલીફોનીક સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે યમલ વ્યાસે ફોન રિસિવ કર્યો ન હતો, જ્યારે સહ પ્રવકતા યજ્ઞેશ દવે એ ETV સાથેની વાતચીતમાં પ્રદીપસિંહ વાઘેલા બાબતે જણાવ્યું હતું કે મારી પાસે આવા કોઈ જ પ્રકારના સમાચાર નથી.
રજની પટેલ પર બધી જવાબદારી: પ્રદીપસિંહ વાઘેલા ગુજરાત ભાજપમાં દક્ષિણ ઝોનના મહામંત્રી તરીકેની જવાબદારી હત્તી. ઉપરાંત કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી પણ પ્રદીપસિંહ વાઘેલાને સોંપવામાં આવી હતી. ભાજપ સંગઠન વતી સરકાર સાથે સંકલન સાધવા અંગે પ્રદીપસિંહ વાઘેલાને સંગઠનમાંથી સુચના આપવામાં આવી હતી. ત્યારે આ તમામ પદ પરથી તેમણે રાજીનામું આપ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બીજી તરફ આ તમામ જવાબદારી તાત્કાલિક ધોરણે ભાજપ ઉત્તર ઝોનના મહામંત્રી રજની પટેલને આપવામાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.