ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેં મહિનામાં જાહેર કર્યું છે. જેમાં ધોરણ 10 માં 10 ટકાથી 00 ટકા ધરાવતી શાળા કુલ 157 શાળાઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 44 શાળાઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં શાળાના આંકડા તો જાહેર કર્યા નથી. પણ પરિણામની ટકાવારી જાહેર કરવામાં આવી છે. જેમાં 10 કેન્દ્રો જિલ્લાનું પરિણામ 40 ટકા ઓછું આવ્યું હતું. ત્યારે સરકારી તંત્ર પણ હવે પરિણામ વધે તે બાબતે કસરત કરી રહ્યું છે.
ધોરણ 10માં 157 શાળાનું પરિણામ 0 ટકા: રાજ્ય શિક્ષણ બોર્ડ ધોરણ 10માં ઝીરો ટકા પરિણામ ધરાવતી શાળાઓ કુલ 157 છે, જ્યારે આ આંકડામાં પણ ગત વર્ષ કરતાં વધારો થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ માહિતી મુજબ માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં કુલ 121 શાળાઓ એવી હતી કે જેનું પરિણામ 0% હતું. પરંતુ માર્ચ 2023માં કુલ 36 શાળાનો વધારો થઈને 157 શાળાઓનું પરિણામ 0% આવ્યું છે. આ ઉપરાંત 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ 22 જેટલો ઘટાડો આ વર્ષે નોંધાયો છે. વર્ષ 2022માં 294 જેટલી શાળાઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. ત્યારે 2023ની પરીક્ષામાં 272 જેટલી છે શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.
અમદાવાદ શહેરની 17 શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા પરિણામમાં સ્પષ્ટ જણાવ્યું છે કે અમદાવાદ શહેરની કુલ 17 જેટલી શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે. જ્યારે 19 શાળાઓનું પરિણામ 11 થી 20 ટકા 33 શાળાનું પરિણામ 21 થી 30 ટકા અને 54 શાળાનું પરિણામ 31 થી 40% સુધી નોંધાયું છે જ્યારે 100 ટકા પરીણામ ધરાવતી ફક્ત ત્રણ જ શાળા અમદાવાદ શહેરમાં છે. જ્યારે સૌથી વધુ સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં 29 જેટલી શાળાઓએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. જ્યાં ઉપરાંત દાહોદ જિલ્લાની એક પણ શાળાઓએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું નથી.
ઓછા પરિણામના ક્યાં કારણો સામે આવ્યા: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અનેક શાળાઓનું પરિણામ 0%, 10% અથવા તો 40% થી ઓછું પરિણામ સામે આવ્યું છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આવી શાળાઓ બાબતે તપાસ કરવામાં આવી હતી જેમાં મળતી માહિતી પ્રમાણે શાળામાં બાળકોની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે આ પરિણામ ઓછું આવ્યું છે. જ્યારે અમુક શાળાઓમાં તો પાંચથી છ જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને આ તમામ લોકો નાપાસ થતા શાળાનું પરિણામ ઝીરો ટકા સામે આવ્યું છે. ત્યારે આવી તમામ શાળાઓ બાબતે પણ રાજ્ય સરકાર આગામી દિવસોમાં પગલાં વધશે અને ઓછા બાળકો ધરાવતી શાળાઓનો કલસ્ટર બનાવીને એક શાળા પણ તૈયાર કરવામાં આવશે.
પરિણામ બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સમીક્ષાઓ કરવામાં આવશે અને જે વિસ્તાર અને કેન્દ્રમાં ઓછા પરિણામ છે ત્યાં હું પોતે જ તે જગ્યાએ મુલાકાત કરીશ અને ખૂટતી સુવિધાઓને ઉપર ચર્ચા કરીને તમામ સુવિધાઓ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવે છે પણ ક્યાં ચૂક રહી જાય છે તે સુધારવાનું કામ હાથમાં લેવામાં આવશે. - કુબેર ડીંડોર, રાજ્યના શિક્ષણ પ્રધાન
સરકારી શાળાઓની વિગતો: ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની કુલ 234 શાળાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં શિક્ષણની સુવિધાઓ સાથે લેબોરેટરીની સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારે આજે જે રીતે ગત વર્ષ કરતા 6.44 ટકા ઓછું પરિણમ આવતા શિક્ષણ વિભાગ પાસેથી કુબેર ડીંડોરે સરકારી શાળાઓ અને ખાનગી શાળાના પરિણામ બાબતનો તમામ ડેટા મંગાવવામાં આવ્યો છે અને સરકારી શાળાઓમાં કેટલું પરિણામ આવ્યું છે અને કયા કારણથી ઓછું પરિણામ આવ્યું છે તે બાબતની પણ સમીક્ષા કરવામાં આવશે.
44 શાળાઓ પરિણામ 10 ટકા ઓછું: રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ 44 શાળાઓનું પરિણામ 0 થી 100 ટકા આવ્યું છે આમ આ તમે શાળાઓનો શોર્ટ આઉટ કરીને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા માહિતી પણ મંગાવવામાં આવી છે ત્યારે કયા કારણોથી પરિણામ ઓછું આવ્યું તેનું પણ વિગતો મંગાવવામાં આવી છે જ્યારે રાજ્ય શિક્ષણ પાસે પરિણામ ઓછું આવાના અનેક કારણો સામે આવ્યા છે.