ગાંધીનગર: જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃતિ ડામવા જિલ્લા પોલીસ સક્રિય છે. ત્યારે LCB-2 PI એચ. પી. ઝાલાની ટીમે રવિવારે સાંતેજ જીઆઇડીસીના ગોડાઉનમાં રૂ.1.64 લાખનો દારૂ ઝડપ્યો હતો.

આ ઘટનાના બીજા દિવસે એટલે કે સોમવારે ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં એલસીબી-2ને બાતમી મળી હતી કે ટ્રક નંબર RJ-19-GB-9350માં વિદેશી દારૂ મહેસાણાથી અમદાવાદ તરફ લઇ જવાઇ રહ્યો છે. જેના પગલે કલોલ છત્રાલ હાઇવે પર અમ્રિત હોટલ પાસે પોલીસે બાતમી વાળો ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ચાલકે ઓળા તરફ જતા રોડ ઉપર ટ્રક ભગાવ્યો હતો.
જેથી એલસીબી-2એ ફિલ્મીઢબે પીછો કરીને ટ્રકને આંતર્યો હતો અને તેને રોકી લીધો હતો. પોલીસે ટ્રકની પાછળના ભાગે બાંધેલું મીણીયું હટાવી જોતા ચોખાના કટ્ટા ભરેલા હતા જે હટાવીને જોતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે પોલીસે કાર્યવાહી કરતા પોલીસે ટ્રક ચાલક મગ્ગારામ આસુરામ જાટની ધરપકડ કરી હતી. દારૂ અંગે પૂછતાં તેણે કાલુ બિશ્નોઈ તથા દલપતસિંહ ઉર્ફે ડી. એસના કહેવાથી હરીયાણાના ઈલનાબાદથી ટ્રક લીધો હતો. જેને પગલે એલસીબી-2એ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.