ગાંધીનગરઃ લોકરક્ષક દળની પરીક્ષા બાદ ઉભા થયેલા વિવાદને લઇને સમગ્ર રાજ્યમાં આંદોલન શરુ થયા હતાં, જેને લઈને સરકારે વચલો રસ્તો કાઢ્યો હતો, ત્યારબાદ લોકરક્ષક દળની પરીક્ષાનું ગઈકાલ મોડી રાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, આ પરિણામ લોલીપોપ સમાન છે. SC, ST અને OBC સમાજના પરિપત્રને રદ કરવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
LRDનું રિઝલ્ટ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે વાત કરતાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આ રિઝલ્ટ OBC આદિવાસી અને દલિત સમાજમાં લાગણી પ્રવર્તી રહી છે કે, આ પરિણામ લોલીપોપ સિવાય કાંઈ નથી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે તે બાબતની કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ઉપરાંત કઈ તારીખે બહેનોને ઓર્ડર આપીને નોકરી શરૂ કરવામાં આવશે. જેનો પણ કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એવા કેટલાય ભાઈઓ-બહેનો છે. જેનું મેરીટ જનરલ મેરીટમાં આવતી બહેનો કરતાં પણ વધારે છે. તેમ છતાં આ બહેનોને દલિત સમાજના કેટેગરીમાં જ મુકવામાં આવી છે. આ જ પ્રમાણે અન્ય એસટી માલધારી સમાજને પણ થયો છે. પરિણામે એક નવેસરથી જ આંદોલન શરૂ કરવો પડે તે પ્રમાણેનો માહોલ ઉભો થયો છે.
બીજી તરફ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરાયા બાદ હવે ક્યારે લેવામાં આવશે, તે પણ સરકાર દ્વારા જણાવવામાં આવતું નથી. ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઇ ગયા બાદ પણ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની ફરીથી તારીખ જાહેર કરવામાં આવતી નથી. દસ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષાની તારીખની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. જેને લઇને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભાના પગથિયે અડધો કલાક જેટલો સમય ધરણા કર્યાં હતાં.