ભારતમાં થયેલી શ્વેતક્રાંતિમાં ગુજરાતના અમૂલ અને પશુપાલકોની ભૂમિકા ખૂબ અગત્યની છે, જેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત અગ્રેસર છે. ગુરૂવારે ગાંધીનગર ખાતે યોજાયેલા નેશનલ એકેડમી ઓફ વેટરિનરી સાયન્સિસ(NAVS)ના 18મા વાર્ષિક પદવીદાન સમારોહ તેમજ સાયન્ટિફિક કન્વેશન ઓન ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીસ ઇન એનિમલ હેલ્થ એન્ડ પ્રોડેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બે દિવસ સુધી ચાલશે. જેમાં પશુપાલન અને કૃષિ વિશેના મુદ્દા પર વાત કરી પશુપાલકોને ઉત્પાદન વધારવામાં મદદ મળશે. આ કાર્યક્રમમાં પશુપાલન પ્રધાન કુંવરજી બાવળીયા અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડૉ. વલ્લભભાઇ કથિરિયાએ હાજરી આપી હતી.
કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, સરકાર ડેરી અને પશુપાલન ઉદ્યોગને પ્રાધાન્ય આપી તેના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે, તેને વધુ વેગ આપવા આ 2 દિવસીય કાર્યક્રમ ખૂબ જ મદદરૂપ થશે. તેમજ અન્ય રાજ્યો માટે પણ આ પ્રેરણારૂપ સાબિત થશે. રાજ્યની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પશુપાલન વ્યવસાયનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેના કારણે આજે ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે. સૌથી વધુ દૂધ આપતી 'ગીર' અને 'કાંકરેજી' જેવી શ્રેષ્ઠ ગાયો તેમજ 'મહેસાણી', 'ઝાફરાબાદી' અને 'બન્ની' જેવી ઉત્તમ જાતની ભેંસો ગુજરાત પાસે છે. જે કારણે દૂધ ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે.
ભારતમાં શ્વેતક્રાંતિના પરિણામે દૂધનું ઉત્પાદન 180 મેટ્રિક ટન સુધી પહોંચ્યુ છે. દેશમાં કુપોષણ અટકાવવા દૂધ અને દૂધના ઉત્પાદનો ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. હરિયાણાની 'મુરાહ' નસલની ભેંસો આજે વિશ્વમાં સૌથી વધુ દૂધ આપતી ભેંસ તરીકે પ્રસ્થાપિત થઇ છે, જે આપણા માટે ગૌરવ સમાન છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના ઓક્ટોબર-19ના અહેવાલ મુજબ દેશમાં 535 મિલિયન પશુઓ છે. આ પશુઓની સંભાળ માટે મોટા જથ્થામાં વેકસીનેશનની જરૂર હોય છે. જે માટે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વર્ષ 2009માં રાજ્યમાં પ્રથમ વાર કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિવર્સિટી દ્વારા પશુઓના વિકાસ માટે વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા રાજકોટ અને હિંમતનગર ખાતે પશુ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેનો મહત્તમ લાભ આજુબાજુના પશુપાલકો મેળવી રહ્યા છે. આ બે દિવસ ચાલનારા સેમિનારથી પશુ વિકાસ અને દૂધ ઉત્પાદનમાં વધારો થશે.
રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડૉ. વલ્લભભાઇ કથિરિયાએ જણાવ્યું હતું કે, આજે ગ્રામીણ અર્થતંત્રના વિકાસ માટે ગુજરાતની દેશી ગાયો ઉત્તમ પુરવાર થઇ રહી છે. સમગ્ર ભારતમાં ગીર ગાયનું સ્થાન અનોખુ છે. ગત વર્ષે બ્રાઝિલના પશુપાલકો ગીર ગાયની નસલના આખલા તેમના દેશમાં લઇ ગયા હતા. ભારતના કુલ GDPમાં કૃષિનો ફાળો 13 ટકા છે. જેમાં પશુપાલન માત્ર 4 ટકા હિસ્સો ધરાવે છે. જેને વધારવા આપણે સૌએ સંયુક્ત પ્રયાસો કરવા પડશે. ગાયના છાણ અને મૂત્ર અનેક રીતે ઉપયોગી છે.
ગ્લોબલ વોર્મિંગ અટકાવવા તેમજ રેડિએશનની અસર ઘટાડવામાં દેશી ગાયનું છાણ ખૂબ જ ઉપયોગી છે. આજે ગુજરાત સહિત ભારતમાં ગાય આધારીત જૈવિક તેમજ સજીવ ખેતી કરવામાં આવે છે. વડાપ્રધાનએ 'બેક ટુ લેન્ડ'નો મંત્ર આપ્યો હતો, જે બાદ હવે 'લેન્ડ ટુ લેબ'નો સમય આવી ગયો છે, જે નવી ટેકનોલોજી થકી શક્ય બનશે તેવી આશા છે.