ગાંધીનગર: વર્ષ 2005માં ગુજરાતના ખેડૂતોના ઉભા પાક અને ખેતરની સુરક્ષા માટે કાંટાળા તારની વાડ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જૂની યોજના મુજબ ખેડૂતોને 5 હેકટર વિસ્તારની મર્યાદામાં કાંટાળા તારની વાડ બનાવવાની યોજના અમલમાં હતી. રાજ્ય સરકારે ખેડૂતોની સતત રજૂઆતોને ધ્યાને લઇ કાંટાળા તારની વાડ કરવાની યોજનાને વધુ સરળ બનાવી હોવાનું રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું.
'આ યોજના અંતર્ગત પહેલા લઘુત્તમ પાંચ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવતી હતી. જે બાબતે રાજ્યના ખેડૂતો તરફથી સતત રજૂઆત આવતી હતી અને આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ 5 હેક્ટરથી ઘટાડીને 2 હેક્ટર કરવામાં આવી છે. જ્યારે નાણાકીય વર્ષ 2023-24 ના બજેટમાં આ યોજના માટે 350 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. - રાઘવજી પટેલ, કૃષિ પ્રધાન
I-ખેડૂત પોર્ટલ પર કરવી પડશે અરજી: કૃષિપ્રધાન રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજના અંતર્ગત આ યોજના હેઠળ રાજ્યના અંદાજીત 27,700 હેક્ટર વિસ્તાર માટે રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આ માટે આગામી સમયમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ લેવામાં આવશે. આ યોજના થકી ભૂંડ, રોઝ અને નીલ ગાય જેવા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના મહામૂલા ઊભા પાકને થતા નુકશાનને અટકાવી શકાશે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે ખેડૂતોની રજૂઆતોને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.