કલોલ નગર પાલિકામાં પ્રમુખની ચૂંટણી વખતે ભાજપના ચાર સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ જઇ કોંગ્રેસમાં ભળી ગયા હતા. જેનાથી કોંગ્રેસે બહુમતી સાથે બે દાયકાનો શાસન ભાજપ પાસેથી આંચકી લીધું હતું. ભાજપમાંથી આવેલા તિમિર જયસ્વાલને પ્રમુખ બનાવી દીધા હતા. ત્યારે ભાજપના સભ્ય લવ દિલીપકુમાર બારોટે પક્ષપલટો કરનાર ભાજપના ચારેય સભ્યો સામે પક્ષાંતર ધારા મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેના જવાબમાં સચીવે પક્ષપલટો કરનાર સભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. જેથી સામે પક્ષ પલટો કરનાર આ હુકમ સામે સ્ટે મેળવવા હાઈકોર્ટમાં ગયા હતા. અને હાઈકોર્ટે સ્ટે મારી સચીવને બંને પક્ષોને સાંભળીને નિર્ણય કરવાનો હુકમ કર્યો હતો.
ત્યારબાદ સચીવે બંન્ને પક્ષોને સાંભળી પક્ષપલટો કરનાર તિમીરકુમાર તરંગકુમાર જયસ્વાલ અને રમીલાબેન યોગેશભાઈ પરમાર તથા જશોદાબેન વિજયભાઈ યોગી અને મંજુલાબેન નરેશભાઈ રાઠોડને ગેરલાયક ઠેરવ્યા હતા. આ સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવતા પાલિકા ભાજપના 21 સભ્યો સાથે બહુમતી થઈ હતી. જ્યારે કોંગ્રેસ પાસે 18 સભ્યો રહ્યા હતા. જેના આધારે ભાજપે ફરીથી પાલિકામાં સત્તાના સુત્રો હસ્તગત કર્યા હતા. સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવતા ભાજપના જ સભ્યોમાં આનંદની લાગણી ફરી વળી હતી.