- રાજયમાં કોરોનાના કેસમાં વધારો
- રિકવરી રેટમાં 0.10 ટકા ઘટાડો
- 4 શહેરોમાં કોરોના કેસમાં વધારો
ગાંધીનગર : 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના 6 મહાનગરપાલિકા જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને તેનું પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ જાહેર થયું હતું. આ તમામ જગ્યા પર ભાજપની સરકાર બની છે, ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરમાં કોરોનાના કેસમાં પણ ઝડપથી વધારો થયો છે. આ સાથે રિકવરી રેટમાં પણ 0.10 ટકાનો ઘટાડો નોંધાયો છે.
21 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધીમાં નોંધાયેલા કુલ કેસ અને શહેર પ્રમાણે કેસની સંખ્યા
21 ફેબ્રુઆરી
- કુલ કેસ - 1,690
- વેન્ટિલેટર પર - 29
- અમદાવાદ - 66
- બરોડા - 57
- સુરત - 46
- રાજકોટ - 16
22 ફેબ્રુઆરી
- કુલ કેસ - 1,732
- વેન્ટિલેટર પર - 30
- અમદાવાદ - 70
- બરોડા - 59
- સુરત - 48
- રાજકોટ - 39
23 ફેબ્રુઆરી
- કુલ કેસ - 1,786
- વેન્ટિલેટર પર - 31
- અમદાવાદ - 69
- બરોડા - 67
- સુરત - 61
- રાજકોટ - 44
24 ફેબ્રુઆરી
- કુલ કેસ -1,869
- વેન્ટિલેટર પર - 33
- અમદાવાદ - 81
- બરોડા - 70
- સુરત - 57
- રાજકોટ - 46
25 ફેબ્રુઆરી
- કુલ કેસ - 1,991
- વેન્ટિલેટર પર - 35
- સુરત - 79
- બરોડા - 79
- અમદાવાદ - 71
- રાજકોટ - 54
રાજકોટમાં કેસમાં સતત વધારો
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું હોમટાઉન રાજકોટ છે, જ્યારે રાજકોટમાં 21 ફેબ્રુઆરી ફક્ત 16 પોઝિટિવ કેસ હતા, જ્યારે 25 તારીખે 54 કેસ આવ્યા છે. આમ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે અન્ય શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. આમ ઇલેક્શનમાં જે રીતે કોરોના નિયમોનો ઉલ્લંઘન જોવા મળ્યું હતું. લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળી રહ્યા હતા, જેના કારણે પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું હોય તેવી શક્યતા છે.
રિકવરી રેટમાં ઘટાડો જોવા મળ્યો
ઈલેક્શન પહેલા ગુજરાતમાં કેસની સંખ્યા પણ ઘટી હતી અને 250 અને 300ની આસપાસ જ કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ જેમ ઇલેક્શન પૂર્ણ થયું ત્યાર બાદ 22 ફેબ્રુઆરીથી કોરોના કેસની સંખ્યા 300થી વધું થઇ છે. દિવસેને દિવસે કોરોના કેસ સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેથી રિકવરી રેટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગત 5 દિવસમાં રિકવરી રેટ 0.10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી કોરોના અપડેટમાં 21 ફેબ્રુઆરીના રોજ રિકવરી રેટ 97.72 ટકાની આસપાસ હતો, જે 25 ફેબ્રુઆરીના રોજ 97.62 ટકા નોંધાયો છે. આમ ચૂંટણી બાદ ગુજરાતના મોટા શહેરોમાં કોરોના સંક્રમણનો આંખ સતત વધી રહ્યો છે.
22 ફેબ્રુઆરીના રોજ રાજ્યની સરહદ પર ચેક પોસ્ટ કાર્યરત
21 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા બાદ ગુજરાત રાજ્યની સરહદે આવેલા અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓના આરોગ્ય ટેસ્ટ માટે રાજ્યની સરહદ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ 22 ફેબ્રુઆરીથી વિવિધ વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ કેન્દ્ર પણ ઉભા કરવામાં આવ્યા છે. આમ રાજ્ય સરકાર દ્વારા હવે ઇલેક્શન બાદ ફરીથી કોરોનાનો સંક્રમણ ઘટે તે બાબતે પગલાં લેવામાં આવી રહ્યા છે.
ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ...