રાજ્યમાં અત્યારે કુપોષણનો આંકડો ચિંતાજનક થતો જોવા મળી રહ્યો છે. હાલ 1,42,142 બાળકો કુપોષણનો શિકાર બનેલા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં વિવિધ ગામડાઓ અને શહેરોમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ મુદ્દાને લઈને કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને તેનો કોઈ નિકાલ લાવવા જણાવ્યું હતું. અત્યારે અતિ ઓછા વજન વાળા બાળકોની કુલ સંખ્યા 24,101 છે. રાજ્યમાં સૌથી વધુ કુપોષીત બાળકો દાહોદમાં 14,191 બાળકો અને નર્મદામાં 12,667 બાળકો છે. આ કુપોષણનો આંકડો મહાનગરોમાં પણ ચિંતાજનક જોવા મળી રહ્યો છે. અમદાવાદમા 1925 બાળકો, સુરતમા 5318, રાજકોટ 3021 અને વડોદરામા 6154 બાળકો કુપોષણનો ભોગ બનેલા છે.
કુપોષણને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તંદુરસ્ત બાળક તંદુરસ્ત સમાજનો પાયો છે. રાજ્યને કુપોષણ મુક્ત બનાવવા ઝૂંબેશના સ્વરૂપે જનઆંદોલન કરવામાં આવે તે જરૂરી છે. લોકપ્રતિનિધિઓને પોત પોતાના વિસ્તારમાં જઇને આ દિશામાં ઝૂંબેશ સ્વરૂપે કાર્ય કરવા અનુરોધ કર્યો છે. આપણે સૌ ગુજરાતને કુપોષણ મુક્ત માટે સંકલ્પબદ્ધ થવું જોઇએ. મુખ્યપ્રધાને બેટી બચાવો સાથે કુપોષણ હટાવો ઝૂંબેશને સૌના સાથથી મજબૂત કરવા આહવાન કર્યું હતું. સાથે જ જણાવ્યું હતું કે, સરકાર કુપોષણના સામેના જંગને ગંભીરતાથી લઇ રહી છે.