ગાંધીનગર: ભારતના સંવિધાન મુજબ તમામ બાળકોને શિક્ષણનો અધિકાર છે અને સાધુ શિક્ષણ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વાલીઓએ ખોટા દસ્તાવેજો, ભાડા કરારના આધારે રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશન લીધા હોવાની ભૂતકાળમાં અનેક ફરિયાદ થઈ છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે RTE એડમિશનમાં ફરજિયાત પાનકાર્ડ આધારકાર્ડ અને ઇન્કમટેક્સ રિટર્ન ફરજિયાત કર્યું હતું. જેના લીધે આ વર્ષે શૈક્ષણિક વર્ષ 2023 24માં 30,127 જેટલી બેઠકો RTEની ખાલી રહી છે.
" 3 વર્ષ જુના RTE એડમિશનમાં આવકનો દાખલો રીન્યુ કરાવવાનું ફરજીયાત કરવામાં આવશે. ઉપરાંત નવા આવકના દાખલ સાથે આધારકાર્ડ અને પાનકાર્ડ પણ ફરજિયાત કરાશે. જેથી ભૂતકાળમાં ખોટા એડમિશન થયા હશે તો આવા RTE ના એડમિશન રદ કરવામાં આવશે. જેમાં સરકાર RTEના વિધાર્થીઓની ફી નહીં ભરે. જેથી વાલીઓએ વિદ્યાર્થીઓને રેગ્યુલર ફીમાં ભણવાવવું પડશે. " - શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર
નવા નિયમથી સરકારને ફીનું ભારણ ઘટશે: રાજ્ય સરકાર જુના રાઇટ ટુ એજ્યુકેશનમાં થયેલા એડમિશનમાં પણ વાલીઓ માટે રીન્યુ થયા હોય તેવા આવકનો દાખલો, પાનકાર્ડ અને આધારકાર્ડ ફરજિયાત કરવા જઈ રહ્યા છે. ત્યારે જો કોઈપણ વાલીની આવકમાં વધારો થયો હશે ઇન્કમટેક્સ રીટર્ન ભરતા હશે તો આવા બાળકોનું એડમિશન રાઇટ ટુ એજ્યુકેશનમાંથી રદ કરવામાં આવશે. પરંતુ શાળામાંથી તેઓનું શિક્ષણ રાબેતા મુજબ ચાલુ રહેશે. પરંતુ શાળાની ફી રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ નહીં પરંતુ વાલીઓએ ભરવાની રહેશે. જેથી નવા નિયમથી સરકારને ફીનુ ભારણ પણ ઘટશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પ્રતિ વિદ્યાર્થી દીઠ 13,000ની વાર્ષિક ફી ભરે છે.
કેટલી અરજીઓ પ્રાપ્ત થઈ?: શૈક્ષણિક વર્ષ 2023-24માં અ82,853 બેઠકો સામે આ વર્ષે 98,650 અરજીઓ એડમિશન માટે આવી હતી. જેમાં હજુ પણ ત્રીજા રાઉન્ડના અંતે 30,127 બેઠકો ખાલી રહી છે. જ્યારે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશનમાં વાલીઓના આધાર કાર્ડ પાનકાર્ડ અને ઇન્કમટેક્સ રિટર્ન ફરજિયાત કરાતા અનેક એડમિશન રદ થયા છે. જ્યારે અમુક એડમિશન વાલીઓએ સામેથી પરત ખેંચ્યા છે. આ ઉપરાંત ખોટા દસ્તાવેજો પૈકી કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ પણ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રદ કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2022-23માં 71,452 બેઠકો સામે રાજ્ય સરકારને 2,18,000 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જેમાં ફક્ત 64 હજાર જેટલા જ એડમિશન રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત આપવામાં આવ્યા હતા.