અમદવાદ/ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના પાંચ અગ્રણી અને મોટા શહેરમાં 70 માળની બિલ્ડીંગ બાંધવાને મંજૂરી આપી દીધી છે. ગુજરાતમાં અત્યાર સુધી 23 માળની બિલ્ડીંગને મંજૂરી હતી. હવે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરતમાં 70 માળની બિલ્ડીંગ બંધાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોમ્પ્રિહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન (સીજીડીસીઆર)માં ફેરફારને મંજૂરી આપી દીધી છે. ગુજરાતના પાંચ શહેર સિંગાપોર અને દુબઈની સમકક્ષ ઉભા રહી શકે, તેવો પ્રયાસ સરકાર કરી રહી છે, પણ સિંગાપોર અને દુબઈની જમીનની સ્થિતિ અલગ છે, જ્યારે ગુજરાત ભૂકંપગ્રસ્ત ઝોનમાં આવે છે. છેલ્લા ત્રણ મહિનાથી ધરતીકંપના સામાન્ય આંચકા આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં ગુજરાતના પાંચ મોટો શહેરમાં 70 માળની બિલ્ડીંગ કેટલી સુરક્ષિત હશે, તેના પર વાંચો, ETV ભારતનો સ્પેશિયલ રીપોર્ટ.
ગુજરાત સરકારે 70 માળની બિલ્ડીંગની મંજૂરી આપી છે, જેના માટે રાજ્ય સરકારે કેટલાક નિયમો જાહેર કર્યા છે. સૌપ્રથમ અતિમહત્વના નિયમો પર એક નજર કરીએ.
- ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ 100 મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે.
- બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ-પહોળાઇ- ઊંચાઇ) 1 જેમ 9 કે, વધુ હોય તેને લાગુ થશે.
- આ જોગવાઇ D1 કેટેગરીના સત્તામંડળો જેમ કે, AUDA/SUDA/VUDA/RUDA અને GUDAમાં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI 1.2 કે, તેથી વધારે મળવાપાત્ર છે.
- આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે.
- સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે.
- 30 મીટર પહોળાઇના કે, તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે.
- 100થી 150 મીટર ઊંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 2500 ચોરસમીટર રહેશે. 150 મીટરથી વધુ ઊંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ 3500 ચોરસમીટર રહેશે.
- મહત્તમ FSI 5.4 મળવાપાત્ર થશે, જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમીયમ FSIનો ચાર્જ 50 ટકા જંત્રીનો દર.
- ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે.
- રહેણાંક/વાણિજ્યક/રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ / વપરાશ મળવાપાત્ર થશે.
- પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજિયાત રાખવાની રહેશે. વીન્ડ ટનલ ટેસ્ટ ફરજિયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે.
- આ નિયમના અમલ સાથે 70 માળની બિલ્ડીંગ બને તો વાંધો નથી. પણ નિયમોનું પાલન નહી થાય અને જો બિલ્ડીંગ બનશે તો તેની જવાબદારી કોની રહેશે? તે જવાબદારી પણ નક્કી કરવાની જરૂર છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા મનીષભાઈ દોશીએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગગનચૂંબી ઈમારતોને મંજૂરી આપવાનો ભાજપ સરકારનો નિર્ણય માત્રને માત્ર બિલ્ડરો અને ફંડ મેનેજરોને લાભ કરાવવા લેવાયો છે. કેટલાક ગણ્યાગાંઠ્યા બિલ્ડરો આ લાભ લઈ શકશે. તેમણે આક્ષેપ કર્યો હતો અને સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે કે, શહેરી વિકાસના નામે ગગનચુંબી ઈમારતોને મંજૂરીની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં 2012માં 50 લાખ મકાનની જાહેરાત કરનાર ભાજપ શાસકો છેલ્લા 10 વર્ષમાં કેટલા મકાનો પરવડે તેવી કિંમતના બનાવ્યા અને શહેરી નાગરિકોને શું શું સુવિધા આપી તેનો હિસાબ આપવો જોઈએ.
સિસ્મોલોજીકલ રિસર્ચના ડાયરેક્ટરનું શું કહેવું છે?
ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના ડાયરેકટર ડૉ. સુમેર ચોપડાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે 70 માળની બિલ્ડીંગને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે, તેમાં ભૂકંપથી કોઈ નુકસાન થશે નહિં. બિલ્ડીંગ બનાવતા સમયે જમીનનું ચેકિંગ કર્યા બાદ આ બિલ્ડીંગ બનાવવી યોગ્ય રહેશે. ભૂકંપ હાઈ ફ્રિકવન્સીમાં છે કે, લો ફ્રિકવન્સીમાં છે, તેના પર ઊંચી બિલ્ડીંગને નુકસાન થવાનો ભય હોય છે. જો કચ્છમાં ભૂકંપનું એપી સેન્ટર હોય અને ગાંધીનગરમાં 70 માળનું બિલ્ડીંગ હોય તો તેના તરંગોને કારણે લો ફ્રિકવન્સી હોવા છતાં ઊંચી બિલ્ડીંગને અસર થતી હોય છે, પણ જો જમીનનું યોગ્ય રીતે ટેસ્ટિંગ કરીને બિલ્ડીંગ બનાવી હશે અને સાથે પવન (વિન્ડ)ની દિશા ચેક કરીને બિલ્ડીંગ બનાવી હશે તો કોઈ ઝાઝી અસર નહી થાય.
ક્રેડાઈના ચેરમેને આવકાર આપ્યો
ક્રેડાઈના ચેરમેન જક્ષય શાહે ETV Bharat સાથેની એક્ઝક્લૂસિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનું યોગ્ય પગલું છે, ગુજરાતમાં ગામડામાંથી લોકો શહેરમાં આવી રહ્યાં છે. તેમજ ગુજરાતનૌ ઔદ્યોગિક ગ્રોથ ડબલ ડીજીટમાં રહ્યો છે. હવે ઊંચી બિલ્ડીંગનો નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. હું સરકારને અભિનંદન આપી રહ્યો છું. ગુજરાતમાં જમીનના ભાવ ખૂબ વધી ગયા છે. સસ્તા મકાન ખરીદવા માટે લોકોને દૂર રહેવા જવું પડે છે, પણ હવે 70 માળની ઊંચી બિલ્ડીંગ બનશે, જેનાથી સસ્તા મકાનો ખરીદનારને મળશે. સરકાર કેવી રીતે એફએસઆઈ આપે છે, તે જોવું રહ્યું.
જક્ષય શાહે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, ગુજરાતમાં ભૂકંપના આંચકા આવે છે, પહેલા 2001માં મોટો આંચકો આવ્યો હતો, ત્યારે દરેક શહેરની જમીનને ઝોનવાઈઝ વહેંચી દેવામાં આવી છે. જે મુજબ બિલ્ડીંગ બનાવવાની પરવાનગી આપવામાં આવી રહી છે. સ્ટ્રકચરલ રીતે ચકાસીને જ ગગનચુંબી ઈમારત બનાવવાની મંજૂરી આપવામાં આવશે. તેમજ ગુજરાતના જ કેટલાક બિલ્ડરો 70 માળની બિલ્ડીંગ બનાવવા આતુર છે, અને અન્ય રાજ્યોમાંથી પણ જાણીતી ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ ગુજરાતમાં આવશે. વિદેશી કંપનીઓ પણ આવશે. 70 માળની બિલ્ડીંગને મંજૂરીથી રોજગારી પણ વધશે. જેનો સીધો લાભ ગુજરાતના વિકાસને થવાનો છે.
હાલ તો 70 માળની ગગનચુંબી ઈમારતોની મંજૂરીને તમામ લોકો આવકારી રહ્યાં છે, પણ સવાલ એ છે કે, નિયમોનું પાલન યોગ્ય રીતે થશે. તાજેતરમાં જ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં જે અગ્નિકાંડ થયો તેમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા છે. આ જ શ્રેય હોસ્પિટલમાં ફાયરના નિયમોને નેવે મુકાયા હતા, કોઈ ચેકિંગ પણ થયું ન હતું. સરકારી તંત્રમાં બધુ ચાલતું રહેશે, એવી માનસિકતા ઘર ન કરી બેસે તે માટે ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ, તો જ દાખલો બેસશે.
અમદાવાદ વાસીઓ 2001ની સાલમાં આવેલો ભૂકંપ હજી ભુલ્યા નથી. અનેક લો રાઈઝ બિલ્ડીંગો ધરાશાયી થઈ હતી, અને અનેક જિંદગીઓ બુઝાઈ ગઈ હતી. 2001ની સાલમાં ફલેટના ભાવ તળિયે પહોંચી ગયા હતા, કેટલાક ફલેટ વેચાયા અને ટેનામેન્ટમાં લોકો રહેવા ગયા હતા.
તળિયે પહોંચી ગયા હતા, કેટલાક ફલેટ વેચાયા અને ટેનામેન્ટમાં લોકો રહેવા ગયા હતા. રાજ્ય સરકારે ઉતાવળે જાહેરાત તો કરી દીધી છે, પણ ભૂકંપ પ્રુફ બિલ્ડીંગ બને તેના માટેના કડક નિયમો અને આ નિયમોનું ઉલ્લંઘન થાય તો શું? તેની જોગવાઈઓ પણ સાથે ઘડવી જોઈએ. ગુજરાતમાં ભૂકંપની ફોલ્ટ લાઈન સક્રિય છે, તેવું હમણાં જ સિસ્મોલોજીકલ વિભાગ દ્વારા જણાવાયું હતું, છેલ્લા ત્રણ મહિનામાં અનેક નાના આંચકા આવી ગયા છે. સિંગાપોર અને દુબઈ બનવાની લહાયમાં ગુજરાત સરકારે 70 માળની મંજૂરી આપી દીધી છે, તે યોગ્ય નથી. કહેતા ભી દિવાના... સુનતા ભી દિવાના… ગુજરાત વિકાસયાત્રા આગળ ધપાવવી જોઈએ, તેનો કોઈ વિરોધ નથી, પણ 70 માળના બિલ્ડીંગના નિયમોનું કડક પાલન પણ એટલું જ જરૂરી છે.
બ્યૂરો ચીફ ભરત પંચાલ, દિલીપ પ્રજાપતી અને ઈશાની પરીખનો વિશેષ અહેવાલ