ગાંધીનગરઃ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા લોકો વિરોધ કરી રહ્યા છે. માત્ર ગુજરાતમાં જ નહીં દેશવિદેશમાં પણ તેના પડઘા પડ્યા છે. કૉંગ્રેસે પણ વિધાનસભા ગૃહમાં અંબાજીમાં મોહનથાળ પ્રસાદ ફરીથી શરૂ કરવાની માગ સાથે વિરોધ કર્યો હતા. આવામાં હવે અંબાજીમાં ચિકીનો પ્રસાદ આપવાની વાત રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહી હતી.
આ પણ વાંચોઃ Ambaji Temple: મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા VHPએ અંબાજીમાં કર્યા ધરણા, કહ્યું વર્ષોની પરંપરા બંધ ન કરી શકાય
ETVનો પ્રશ્ન: મોહનથાળ પ્રસાદ શરૂ થશે?: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલને ETV Bharatના સંવાદદાતાએ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થશે કે, નહીં તેવો પ્રશ્ન કર્યો હતો. ત્યારે પ્રવક્તા પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મંદિર ટ્રસ્ટ હવે ચિકીનો પ્રસાદ આપશે. આ નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે આ ચિકીનો પ્રસાદ 3 મહિના સુધી બગડશે નહીં.
ચિકીના પ્રસાદ અંગે સરકારે કરી સ્પષ્ટતાઃ અંબાજી મંદિરમાં ચિકીના પ્રસાદ અંગે પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, લોકોની માન્યતા છે કે, ચિકીનો પ્રસાદ એટલે બજારમાં જે સિંગની ચિકી મળે છે. તે પ્રસાદરૂપે આપવામાં આવશે, પરંતુ ખરેખર એવું નથી. જ્યારે અંબાજી મંદિરમાં શરૂ કરવામાં આવેલા આ ચિકીનો પ્રસાદ એ સૂકા મેવા, માવા અને સિંગથી બનેલો પ્રસાદ છે, જેને ચિકીનો પ્રસાદ એવું નામ આપવામાં આવ્યું છે. જ્યારે આ સંપૂર્ણપણે બજારમાં જે રીતે સિંગની ચીકી મળે છે તેવું નથી.
કૉંગ્રેસે કર્યો હતો વિરોધઃ અંબાજીમાં મોહનથાળના પ્રસાદ અંગે કૉંગ્રેસે ગુજરાત વિધાનસભામાં 10મી માર્ચે 116ની નોટિસ આપી હતી. સાથે જ ખાસ ચર્ચા કરવા માટેની વાત કરી હતી, જેમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા ન થતા ગુજરાત વિધાનસભા ગૃહમાં જ કૉંગ્રેસના ધારાસભ્યોએ ચિકીના પ્રસાદના વિરોધમાં મોહનથાળ લઈને વિધાનસભા ગૃહની અંદર જ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગૃહમાં મામલો વધુ બગડતા કૉંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
1982થી પ્રસાદરૂપી મોહનથાળ શરૂ કરવામાં આવ્યો હતોઃ રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 1982થી અંબાજી મંદિરમાં રસાદરૂપી મોહનથાળ શરૂ કરવામાં આવ્યો હતો. હાલના સમયમાં દેશવિદેશના કોઈ પણ નાગરિકો ઑનલાઈન આ પ્રસાદ મગાવી શકે તેવી પણ વ્યવસ્થા અંબાજી મંદિર ટ્રસ્ટે કરી છે. જોકે, હવે અંબાજીમાં પ્રસાદરૂપે ચિકી જ આપવામાં આવશે. આમ, 41 વર્ષ બાદ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને માવાની ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે.