ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા 21 જાન્યુઆરી 2019ના રોજ અલગ અલગ 17 જેટલી માગણીઓને લઇને હડતાલ પાડવામાં આવી હતી. તે સમયે સરકારે મંડળના હોદ્દેદારો સાથે વાટાઘાટો કરી આંદોલન સમેટાવ્યુ હતું. પરંતુ સરકારે વાયદાઓ કરીને આરોગ્ય વિભાગના કર્મચારીઓની માગણીઓ પૂરી નહીં કરતા આખરે 17 જાન્યુઆરીથી અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ સહિત વિભાગના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી હતી. પરંતુ કોઇ ઉકેલ આવતો ન હતો.
રાજ્યના 35 હજાર કર્મચારીઓ હડતાલ ઉપર હોવાના કારણે આરોગ્ય સેવાઓ કથળી ગઇ હતી. ગ્રામ્ય લેવલે અનેક મુશ્કેલીઓ જોવા મળતી હતી. ત્યારે આરોગ્ય કર્મચારી મહાસંઘના 17 જેટલા પડતર પ્રશ્નોને લઈને કરવામાં આવેલું અચોક્કસ મુદ્દતનું આંદોલન આખરે સફળ થયું છે. મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ કહ્યું કે, સરકાર દ્વારા અમારી માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને અમારી માંગ સામે લેખિત આપવામાં આવ્યું છે. જેને લઇને હવે ગુરુવાર 26 ડિસેમ્બરથી અમારા તમામ કર્મચારીઓ પોતાની કામગીરી સંભાળી લેશે.