ગાંધીનગર : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતાં.
અતિભારે વરસાદની સંભાવના : ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન રાજયમાં થયેલ વરસાદ અંગે માહિતી આપતા આઈએમડીના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં 19 જુલાઈ, 2023થી 21 જુલાઈ, 2023 દરમ્યાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.
43 જળાશયો હાઈ એલર્ટ : સિંચાઇ વિભાગના અધિકારી ઘ્વારા જળાશયો વિશે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજયમાં 206 જળાશયો પૈકી 43 જળાશય હાઈ એલર્ટ, 18 જળાશય એલર્ટ અને 19 જળાશય વૉર્નિંગ પર છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી તા.19 જુલાઈથી 21 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. તેમજ હાલ છેલ્લા રીપોર્ટ અનુસાર 43 જળાશયો હાઈએલર્ટ છે.
71 ટકાથી વધુ કૃષિ પાકોનું વાવેતર : કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે 71.31 ટકા વાવેતર થયું છે.
એનડીઆરએફ એસડીઆરએફ સજ્જ : એનડીઆરએફ એસડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ બેઠકમાં આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી., પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઉર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતાં.