ગાંધીનગર: રાજ્યમાંં શાંતિ સુરક્ષા અને સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા 'વિશ્વાસ પ્રોજેક્ટ' લોન્ચ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક નિયમનનું પાલન સારી રીતે થાય તે હેતુથી રાજ્યના 8 મહાનગરપાલિકા સહિત તમામ જિલ્લાઓમાં મુખ્ય માર્ગ પર ટ્રાફિક પોલીસ દ્વારા CCTV ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. CCTVના દ્રશ્યોનું મોનિટરીંગ જિલ્લા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કેન્દ્રમાં થાય છે જેને ‘નેત્રમ’ કહેવામા આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ઇ મેમો મોકલવામાં આવે છે. જેમાં જનતા ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને મેમોની રકમ જ ભરતાં ન હોવાનું ચોમાસા વિધાનસભાના સત્રમાં સામે આવ્યું છે.
બે વર્ષથી નથી ચૂકવાયા ઈ મેમા: ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે ટ્રાફિક પોલીસના બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 માર્ચ 2023ની સ્થિતિએ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારે આંકડા રજૂ કર્યા હતા. વર્ષ 2020-21માં 1,21,368 મેમો કે જેની કિંમત 63,63,39,492 કરોડ, વર્ષ 2021-22માં 1,68,613 ઇ-મેમોની રકમ 85,63,42,359 કરોડ, વર્ષ 2022-23માં 1,95,514 ઇ-મેમાની કુલ 106,90,13,171 કરોડના મેમો ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2020-21માં 39,92,19,512 કરોડ, વર્ષ 2021-22 માં 48,95,12,711 કરોડ અને વર્ષ 2022-23માં 63,23,51,262 કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો છે જ્યારે કુલ 48,781 ઇ મેમો એવા છે જે છેલ્લા 2 વર્ષથી ચૂકવાયા જ નથી.
ટ્રાફિક પોલીસની નબળી કામગીરી: ગુજરાત સરકારે રજૂ કરેલા જવાબમાં 31 માર્ચ 2023ની સ્થિતિએ પોલીસ દ્વારા 38 શહેરમાં 48,781 વાહન ચાલકો પાસેથી ઇ-મેમોની 25,16,65,715 રકમ વસૂલવાની બાકી છે. જેમાં અમદાવાદ, રાજકોટ, પાલનપુર, ગોધરા, દાહોદ, ભુજ, વલસાડ, આણંદ, ગોધરા, છોટા ઉદેપુર, લુણાવાડાની ટ્રાફિક પોલીસની નબળી કામગીરી સામે આવી છે. આ શહેરોના પોલીસ દ્વારા ઇ-મેમોની રકમ વસૂલવાની લાપરવાહી રાખવામાં આવી છે. જેના કારણે ઇ-મેમો વસૂલવાની સૌથી વધુ સંખ્યા આ શહેરમાં જોવા મળી છે.
RTO કામ નહીં થઈ શકે: રાજ્ય સરકારે ઇ-મેમોની વસૂલાત બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા 'વન નેશન વન ચલણ'ના અભિગમ સાથે ઇ-ચલણ સોફ્ટવેર વિકસિત કર્યુ છે. આ ઇ-ચલણ સોફ્ટવેર વાહન-4 સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યુ છે. જેથી ઇ-ચલણ ઇસ્યુ થયેલા વાહનોના માલિકો-ચાલકો દ્વારા વાહન સંબધિત સેવાઓ મેળવવા માટે પેન્ડિંગ ઇ-ચલણ ભરપા કર્યા બાદ જ આરટીઓ કચેરી વાહન સંબધિત સેવાઓ ઉબલબ્ધ કરે છે. પોલીસ કે આરટીઓ અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનો જ્યારે આરટીઓ કચેરી ખાતે છોડાવામાં આવે ત્યારે સૌપ્રથમ જૂના મેમોની વસૂલાત કર્યો બાદ જ વાહનો મુક્ત કરવામાં આવે છે.