ગાંધીનગરઃ આગામી મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2024 યોજાવાની છે. તેની તૈયારીના ભાગરુપે રાજ્ય સરકાર વિવિધ સેક્ટર્સના પ્રી વાયબ્રન્ટ સમિટ્સ, સેમિનાર્સ, કોન્ફરન્સીસ કરી રહી છે. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ફૂડ એન્ડ એગ્રો જેવા સેક્ટર્સનો સમાવેશ થાય છે. આ શ્રેણીમાં વધુ એક સેક્ટરને લઈને પ્રી વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટ બાયોટેકનોલોજી સેક્ટર પર આધારિત છે. જેની થીમ 'ધી પાથ ઓફ ઈનોવેશ એન્ડ વેલનેસ ફોર ડેવલપ્ડ ઈન્ડિયા' રાખવામાં આવી છે. બાયોટેક સેક્ટરના 350થી વધુ હિતધારકો એક છત હેઠળ એક્ઠા થશે. આ સમિટનું ઉદ્દઘાટન મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કરવાના છે.
બાયોટેક સ્ટાર્ટઅપ્સ એક્ઝિબિશનઃ આ સમિટમાં રાજ્ય ઉપરાંત દેશના બાયોટેક સ્ટાર્ટઅપ્સ દર્શાવતા એક એક્ઝિબિશનનો પણ સમાવેશ થાય છે. આ એક્ઝિબિશનમાં બાયોટેક સેક્ટરમાં જે લોકોએ સ્ટાર્ટએપ શરુ કર્યુ, સફળતા મેળવી, કંઈક નવુ સંશોધન કર્યુ હોય તેમના વિશે માહિતી રજૂ કરાશે. આ એક્ઝિબિશનનું ઉદ્દઘાટન મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કરવાના છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, કેન્દ્ર સરકારના બાયોટેકનોલોજી વિભાના સચિવ ડૉ. રાજેશ ગોખલે ઉપસ્થિત રહીને એન્ટરપ્રિન્યોર્સ અને મુલાકાતીઓને પ્રોત્સાહન પૂરુ પાડશે.
વેરિયસ ડીબેટ્સઃ બાયોટેકનોલોજી સેક્ટરની આ ખાસ સમિટમાં વિવિધ વિષય પર ડીબેટ્સ પણ યોજાશે. જેમાં 'ગ્રોથ ઓફ ધી બાયોટેકનોલોજી સેક્ટર ઈન ગુજરાત','ઈકોસીસ્ટમ ફોર એડવાન્સિંગ બાયો ઈનોવેશન્સ', 'ધી રડાર ઓફ ભારત બાયો ઈકોનોમી', 'એક્સપ્લોરિંગ ધ ટ્રાન્સફોર્મેટિવ પાવર ઓફ ડીપ ટેક ઈન બાયોટેકનોલોજી'તેમજ 'ઈન્ડસ્ટ્રી એકેડેમિયાઃ ધ રીકવાયર્ડ સિમબાયોસીસ' વગેરે જેવા વિષય પર નિષ્ણાંતો, એન્ટરપ્રિન્યોર્સ તેમજ સંશોધકો ડીબેટ કરશે.
બાયોટેક સેક્ટરની હરણફાળઃ છેલ્લા 8 વર્ષમાં બાયોટેક સેક્ટરે હરણફાળ ભરી છે. આ સેક્ટર 10 બિલિયન યુએસ ડોલર્સથી વધીને 80 બિલિયન યુએસ ડોલર્સનું થયું છે. બાયોટેક સ્ટાર્ટઅપ્સની સંખ્યા 50થી વધીને 5300 થઈ ગઈ છે. ઈન્વેસ્ટ ઈન્ડિયાના ડેટા અનુસાર, બાયોફાર્માસ્યૂટિકલ્સ એ દેશની બાયોઈકોનોમીમાં 62 ટકા ફાળો આપતું સૌથી મોટું સેગમેન્ટ છે. બાયોટેક સેગમેન્ટનો વૃદ્ધિ દર ઝડપી છે. તેથી જ આ પ્રી વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિક્સીત ભારત @ 2047ના વિઝન અનુરુપ આ વૃદ્ધિ આગળ વધે તે છે.