ગાંધીનગર: રાજ્યમાં મંગળવારે આદિવાસી જાતિના વિકાસ માટે આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએની અધ્યક્ષતા હેઠળ મળેલી આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતા. જ્યારે આ પરિષદ બેઠકના મુખ્ય ચેરમેન તરીકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તમામ સભ્યો સાથે આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને ચર્ચા કરી હતી. આ સાથે જ સમસ્યાઓના નિવારણ માટેની પણ હૈયાધારણા આપી હતી.
આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક બાદ આદિજાતિ વિકાસના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકને બંધારણીય દરજ્જો પણ આપવામાં આવ્યો છે. જેમાં ચેરમેન તરીકેની મુખ્ય જવાબદારી મુખ્ય પ્રધાનની હોય છે. મંગળવારની બેઠકમાં આદિવાસી સમાજને પડતી તકલીફો અને તેમના વિકાસના કામો માટે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદની બેઠકની ઝાંખી
- આદિવાસીઓના પ્રશ્નો હલ થાય એ જ આ બેઠકનો મુખ્ય એઝંડા
- વનબંધુ યોજનામાં 90 કરોડ કરતા વધુ વિકાસના કામો પૂર્ણ કરાયા
- આદિવાસી વિસ્તારમાં 5 કરોડ કરતા વધુ સિંચાઇના કામો પણ પૂર્ણ કરાયા
- ટ્રાયબલ વિસ્તારમાં એજ્યુકેશનની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી
- રાજ્યના આદિવાસી વિસ્તારના 98 ટકા ગામડાઓમાં રસ્તા બનાવીને તેઓને શહેર સાથે જોડ્યા
- ઉમરથી અંબાજી સુધી આદિવાસી સમાજ માટે સરકારે અનેક વિકાસના કામો કર્યા
- 15 ટકા અનામત મુદ્દે ભરતીની પણ ચર્ચા પરિષદની બેઠકમાં કરવામાં આવી
રાજ્યોના આદિવાસીઓના પ્રશ્નો હલ થાય એ જ આ બેઠકનો મુખ્ય એઝંડા હતો. જ્યારે રાજ્યમાં વનબંધુ યોજનામાં 90 કરોડ કરતા વધુ વિકાસના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં 5 કરોડ કરતા વધુ સિંચાઇના કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાયબલ વિસ્તારમાં એજ્યુકેશનની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે રાજ્યના આદિવાસી વિસ્તારના 98 ટકા ગામડાઓમાં રસ્તા બનાવીને તેઓને શહેર સાથે જોડ્યા છે. જ્યારે 5થી 7 ગામડા વન વિભાગમાં આવવાના કારણે ત્યાં હજૂ કામ પૂર્ણ થઇ શકયું નથી. અત્યારે આદિવાસી સમાજ માટે પીવાના પાણીનો પ્રશ્ન છે તે માટે સરકાર વધુ ચિંતિત છે. આમ ઉમરથી અંબાજી સુધી આદિવાસી સમાજ માટે સરકારે અનેક વિકાસના કામો કર્યા છે. આ ઉપરાંત 15 ટકા અનામત મુદ્દે ભરતીની પણ ચર્ચા પરિષદની બેઠકમાં કરવામાં આવી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ આ સમિતિના સભ્ય તરીકે હાજર રહ્યા હતા. અશ્વિન કોટવાલે આ બેઠક બાદ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નેજા હેઠળ આદિવાસી વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે વર્ષોથી આદિવાસી સમાજના જમીન પર જે ડબલ A નિયમ લાગુ પાડવામાં આવ્યો છે, તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેના કારણે આદિવાસી સમાજને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાને પોઝિટિવ અભિગમ રાખતા આ કલમ ટૂંક સમયમાં રદ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી. જ્યારે અત્યારે વર્તમાન સમયમાં શિક્ષણના પુસ્તકોમાં વનવાસી જ શબ્દ વપરાય છે, તે સમાજને પસંદ નથી. જેથી આ શબ્દ પણ શિક્ષણમાંથી દુર કરવામાં આવે તેવી પણ રજૂઆત સમિતિ બેઠક સમક્ષ કરવામાં આવી હતી. આદિવાસી સમાજમાં જમીન આ બાબતે અનેક નિયમો છે. જેમાં જો કોઈ ભાઈ પોતાના ભાઈને જમીન આપવા ઇચ્છે છે, પરંતુ નિયમોને આધારે તે જમીન આપી શકતી નથી. જ્યારે નિયમ પ્રમાણે તે પોતાના દીકરાઓને જ જમીન આપી શકે છે, ત્યારે આ પરિસ્થિતિમાં રાજ્યના મુખ્ય પ્રધાને મહેસુલના કાયદામાં પણ ફેરફાર કરવાની હૈયાધારણ આપી હોવાનું અશ્વિન કોટવાલ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે યોજાયેલી ગુજરાત રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદની બેઠકમાં આદિવાસી સમાજના અનેક પ્રશ્નોનું નિરાકરણ સાથે અનેક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને બિટીપી પક્ષના ધારાસભ્યો હાજર રહ્યા હતા.