ગાંધીનગર : ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ગીર સોમનાથના સુત્રાપાડામાં 24 કલાકમાં 21.64 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર એલર્ટ પર મુકવામાં આવ્યું છે. જ્યારે સલામતીના ભાગરૂપે રાજ્ય સરકારની સૂચનાથી જિલ્લા તંત્ર દ્વારા 305 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 52 ગ્રામ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ જૂનાગઢ પોરબંદર જામનગર ભાવનગર વલસાડ અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
કયા જિલ્લામાં કેટલું સ્થળાંતર : રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લામાં 55, ગીર સોમનાથ ના તલાલા તાલુકામાં 160, વેરાવળમાં 90 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ કારણે કોઈ જાનમાલનું નુકશાન ન થાય તે અર્થે સ્થળાંતર કરવાનો નિર્ણય સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
રસ્તાઓ બંધ : જ્યારે રોડ રસ્તાઓની વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે કુલ 65 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, આ રસ્તાઓ પૈકી પંચાયત હસ્તક 52 રસ્તાઓ અને 4 સ્ટેટ હાઇવે કે જેમાં રાજકોટ, ગીરસોમનાથ ના 2 અને પોરબંદર સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
કયા જિલ્લામાં 24 કલાકમાં કેટલો વરસાદ : છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદની નોંધ લઇએ તો સુત્રાપાડા 21.64 ઇંચ, વેરાવળ 19.24 ઇંચ, તાલાલા 11.96 ઇંચ અને ધોરાજીમાં 11.08 વરસાદ નોંધાયો છે.
કયા ઝોનમાં કેટલો વરસાદ નોંધાયો : રાજ્યના ઈમરજન્સી સ્ટેટ ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ 19 જુલાઈ 2023 ના સવારના 6:00 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 122.37 ટકા સૌરાષ્ટ્રમાં 76.25 ટકા ઉત્તર ગુજરાતમાં 51.82 ટકા દક્ષિણ ગુજરાતમાં 44.61 ટકા અને પૂર્વ ગુજરાતમાં 43.53 ટકા વરસાદ નોંધાયો છે.
ડેમમાં 53. 96 ટકા પાણી ભરાયું : ગુજરાત સરકારના કલ્પસર વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના મોટા ડેમમાં કુલ 44.6 ટકા પાણી ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના ડેમમાંથી 47.71 ટકા પાણીનો જથ્થો હાલ લાઈવ સ્ટોકમાં છે. જ્યારે ગુજરાતના કુલ 207 ડેમમાંથી 33 જેટલા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને કુલ 53.96 ટકા પીવાના પાણીનો લાઇવ સ્ટોક હાલમાં ગુજરાતમાં છે. જ્યારે હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના 45 ડેમો હાઈ એલર્ટ પર, 20 ડેમો વોર્નિંગ પર અને 17 ડેમો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.