ગાંધીનગર : મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે ત્યારે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજીને છેલ્લા પંદર દિવસમાં 2.95 કરોડ વધુનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જો દેશી દારૂની વાત કરવામાં આવે તો કુલ 65 લાખ રૂપિયાનો દેશીદારૂ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ દ્વારા 29 મેથી 12 જૂન સુધી દારૂની પ્રવૃત્તિને રોકવા માટે સ્પેશિયલ ડ્રાઇવ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે તેની અમલવારી રાજ્યના તમામ શહેર-જિલ્લા દ્વારા કરાઇ હતી. આ આદેશનું રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને પાલન કરાવ્યું હતું.
આ દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અંગેના 716 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કબ્જે કરેલા વિદેશી દારૂની કુલ કિંમત 2,95,44,410 છે, જ્યારે દેશી દારૂમાં કુલ 12,365 કેસ કરવામાં આવ્યા છે જેમાં 7645 આરોપીની ધરપકડ અને 65,65,266 રૂપિયાનો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ અને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે તથા નશાબંધીનો કડક અમલ કરવા રાજ્ય સરકારે નશાબંધી ધારાની જોગવાઈઓ વધુ કડક બનાવીને દારૂના ઉત્પાદન ખરીદ વેચાણ અને હેરફેર કરનારાને ગુનેગારોની સજા ત્રણ ગણો વધારો કરીને 10 વર્ષ સુધીની તથા રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. જ્યારે દારૂ પીને જાહેરમાં અસભ્ય વર્તન કરનારને ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.