ગાંધીનગર : ગુજરાત હાઈકોર્ટમાં લાયસન્સ વગર ધમધમતી મટનની દુકાનને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉઘડો લીધો હતો. જેના પગલે કોર્પોરેશને એક ટીમ તૈયાર કરીને મહાનગરમાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેમાં રાજ્ય સરકારે જુદા જુદા મહાનગરમાં લાયસન્સ વગર ચાલું રહેલી મટન શોપને તાળા મારી દેવા આદેશ આપ્યો છે. કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યમાં જે ગેરકાયદેસર મટનની દુકાનો ચાલી રહી છે. તેવી તમામ ગેરકાયદેસર દુકાનો બંધ કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.
4000 જેટલી ગેરકાયદેસર દુકાનો : રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ બાબતે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં 4000 જેટલી લાયસન્સ વગરની મટન શોપ કાર્યરત છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ તમામ ગેરકાયદેસર દુકાનો બંધ કરાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રારંભિક તબક્કે જાન્યુઆરી મહિનામાં લાયસન્સ વિના ચાલતી 3200થી વધુ મીટ શોપ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 1247 દુકાનો સીલ કરાઈ છે.
આ પણ વાંચો : ભાવનગર શહેરમાં ગેરકાયદેસર ધમધમતા મચ્છી માર્કેટ અને મટનની દુકાન સામે નગરસેવકે રણશિંગુ ફુક્યું
આરોગ્ય સાથે ચેડાં : રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. જાન્યુઆરી મહિનામાં DLSA દ્વારા રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારની 4300થી વધુ મીટની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી લાયસન્સ વગર અને બિનઆરોગ્યપ્રદ મીટ વહેંચતી 3200થી વધુ દુકાનો ધ્યાને આવતા દુકાનદારો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં લાયસન્સ વગરની જણાઈ આવેલી 1247 દુકાનોને સીલ કરવામાં આવી છે. જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓની 813 જ્યારે નગરપાલિકાઓની 434 જેટલી દુકાનોનો સમાવેશ થાય છે. રાજ્યના કોઇપણ નાગરિકના આરોગ્ય સાથે ચેડા ન થાય તમામને આરોગ્યપ્રદ આહાર-ભોજન મળી રહે તે દિશામાં સરકાર હંમેશાથી પ્રયત્નશીલ રહી છે.
આ પણ વાંચો : મુખ્યપ્રધાન વિજય રૂપાણાની જન્મદિન નિમિત્તે શહેરમાં માસ-મટનની દુકાન બંધ
ગુજરાત હાઈકોર્ટે કરી હતી ટકોર : ગુજરાત હાઇકોર્ટમાં ગેરકાયદેસર રીતે મટનની શોપ બાબતે એક પીટીશન ફાઈલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી અને 36 કલાકની અંદર જ આ તમામ ગેરકાયદેસર મટનની દુકાનો બંધ કરવામાં આવે. તેને ધ્યાનમાં લઈને જ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યું છે અને પ્રથમ દિવસે જ 1247 જેટલી મટનની શોપ બંધ કરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર રીતે મટન શોપમાં રેડમીટ પણ વેચાતું હતું. જે મનુષ્યને કેન્સર જેવી બીમારીમાં સાપડી શકે છે. તેને ધ્યાનમાં લઈને જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ખાસ ટકોર રાજ્ય સરકારને કરાઈ હતી.